બિજિંગઃ ચીને ૨૮મી જુલાઈએ સિક્કિમનાં ડોંગલાંગ ક્ષેત્રમાં રસ્તા બનાવવાના પોતાના નિર્ણયો કાયદેસરના હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે, ૧૮૯૦માં થયેલી ૧૨૭ વર્ષ જૂની ચીન-બ્રિટન સંધિ મુજબ સિક્કિમનો આ વિસ્તાર તેની હદમાં આવે છે. ભારતીય સૈન્યએ જે વિસ્તારમાં બાંધકામ સામે વાંધો લીધો છે તે આ સંધિ મુજબ ચીનનો ભાગ છે. આ ઉપરાંત ચીને પહેલી જુલાઈએ એક નકશો જાહેર કરીને ભારત-ચીન-ભુતાનની સરહદો મળે છે તે જંક્શન પર પણ દાવો કર્યો છે.
સિક્કિમ સરહદી વિવાદ અંગે ચીની મીડિયાએ બહાર પાડેલા અહેવાલોમાં સોમવારે ચેતવણી છે કે ચીન ભારત સાથેના સરહદી વિવાદોમાં પોતાની સ્વાયત્તતાની સુરક્ષા યુદ્ધના ભોગે પણ કરશે.
સિક્કિમ માટે ચીન સાથે સરહદ વિવાદ સર્જાયા બાદ ભારતના સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ ચીનને જણાવ્યું હતું કે, ૧૯૬૨માં સ્થિતિ અલગ હતી અને ૨૦૧૭નો ભારત દેશ અલગ છે. જવાબમાં ચીનના પ્રોફેસર વાંગ ડેહુઆએ ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે, ચીન પણ ૧૯૬૨ કરતાં અલગ છે. ૧૯૬૨થી ભારત ચીનને સૌથી મોટા સ્પર્ધક તરીકે જોતો આવ્યો છે. ભારતે ચીની પ્રદેશ પર અતિક્રમણ કરતાં ચીન ભારત સાથે યુદ્ધ લડયો હતો. બંને દેશોએ મંત્રણા અને ચર્ચા દ્વારા વિવાદનો ઉકેલ લાવવો જોઈએ. ઝાઓ ગાનચેંગે જણાવ્યું હતું કે, બંને દેશોએ વિવાદ અથવા યુદ્ધને બદલે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. બંને દેશો વચ્ચેનો વિખવાદ અમેરિકા જેવા અન્ય દેશોને લાભ લેવાની તક આપશે. ભારતે ચીન પ્રત્યેનું નકારાત્મક વલણ ત્યાગવું જોઇએ, તેનાથી બંને દેશને લાભ થશે. ભારતીય સંરક્ષણ મંત્રાલય ચીન-ભારત સરહદે દળો અને શસ્ત્રોની ઝડપી હેરફેર માટે રેલવે કોરિડોરનું નિર્માણ કરવા તપાસ કરાવી રહ્યું છે. ઝાઓએ જણાવ્યું હતું કે, ભારત સરહદી સંરક્ષણ નિર્માણમાં ચીન સાથે સ્પર્ધાનો પ્રયાસ કરી રહ્યો છે.
મોદી અને જિનપિંગ
જી-૨૦માં મળશે
૭-૮ જુલાઈએ જર્મનીમાં યોજાનારી જી-૨૦ બેઠકમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ગતિરોધમાં આ મુલાકાત ઘણી મહત્ત્વની બની રહેશે.