સિનિયર સિટિઝન હવે એક સાથે રૂ. 30 લાખ જમા કરીને મહિને રૂ. 20 હજારનું વ્યાજ કમાઇ શકશે

Wednesday 08th February 2023 03:44 EST
 
 

નવી દિલ્હી: નિર્મલા સીતારામનના બજેટમાં સિનિયર સિટીઝન્સ માટે સારા સમાચાર એ છે કે, હવે તેઓ એક સાથે રૂ. 30 લાખ જમા કરાવીને દર મહિને રૂ. 20 હજા૨ની કમાણી કરી શકશે. અગાઉ આ મર્યાદા રૂ. 15 લાખ જ હતી. તેની અસર એ થશે કે, હવે રૂ. 30 લાખ પર 8 ટકા વાર્ષિક વ્યાજના હિસાબે દર મહિને રૂ. 20હજારની કમાણી થશે, જે અગાઉ રૂ. 15 લાખના હિસાબે ફક્ત રૂ. 10 હજાર જ થતી હતી.
એટલું જ નહીં, પોસ્ટ ઓફિસ મન્થલી ઇન્કમ સ્કીમ (એમઆઇએસ)માં પૈસા જમા કરાવવાની મર્યાદા પણ રૂ. 4.5 લાખથી વધારીને રૂ. નવ લાખ કરવામાં આવી છે. જોઇન્ટ ખાતામાં પણ રૂ. 15 લાખ સુધી જમા કરાવી શકાશે, જે મર્યાદા પહેલા નવ લાખ રૂપિયા હતી. જોકે આ સુવિધા ફક્ત સિનિયર સિટીઝન્સ માટે જ છે. તેમાં રોકાણ કરવા પર આવકવેરાની કલમ 8-સી હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. અન્ય લોકો માટે રૂ. 4.5 લાખની મર્યાદામાં કોઇ ફેરફાર નથી કરાયો. 60 વર્ષથી વધુ ઉંમરની કોઇ પણ વ્યક્તિ સિનિયર સિટીઝન્સ સ્કીમનો લાભ લઇ શકે છે.
ઇપીએફ - એનપીએસ જેવી બચતયોજનામાં દાવો સરળ
જો ઇપીએફ, એનપીએસ અને કિસાન વિકાસ પત્ર જેવી સરકારી બચત યોજનાઓમાં કોઇ નોમિની ના હોય અને કાયદેસરના ઉત્તરાધિકારીનું પ્રમાણપત્ર ના મળ્યું હોય. તેમજ છ મહિના સુધી કોઇએ તે રકમનો દાવો ના કર્યો હોય, તો એ સ્થિતિમાં સરકાર દ્વારા નિર્ધારિત રકમ સુધીનો દાવો કાયદેસરના ઉત્તરાધિકારી દ્વારા કરાશે તો તેને ચૂકવણી કરાશે. અત્યાર સુધી દસ્તાવેજી કાર્યવાહીમાં આ કામ અટકી જતું હતું.
‘પાન’ વિના ઇપીએફ રકમ કાઢી તો હવે 20 ટકા ટીડીએસ
આ ઉપરાંત બજેટમાં એક મહત્ત્વની જોગવાઇ એ છે કે ‘પાન’ (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) નહીં હોય અને તેના વગર જ ઇપીએફની ૨કમ ઉપાડવામાં આવશે તો હવે કરપાત્ર રકમ પર 20 ટકા ટીડીએસ આપવો પડશે, જે અગાઉ 30 ટકા હતો. આમ તેમાં 10 ટકા રાહત અપાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter