સીએએને ૧૧૦૦ બૌદ્ધિકો, શિક્ષણશાસ્ત્રીઓનું સમર્થન

Saturday 28th December 2019 13:55 EST
 
 

નવી દિલ્હીઃ દેશના ૧૧૦૦ જેટલા શિક્ષણશાસ્ત્રીઓ, બૌદ્ધિકો અને સંશોધકોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ને ટેકો આપ્યો છે.
આ ગ્રૂપે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે અમારું એવું માનવું છે કે સીએએ ભારતના ધર્મનિરપેક્ષ બંધારણને સંપૂર્ણ અનુરૂપ છે, આ મુદ્દે જાણીજોઈને ડરનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે જેના કારણે દેશના ઘણા હિસ્સાઓમાં અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં હિસા થઈ છે. ખરેખર તો આ જોગવાઇએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ધાર્મિક લઘુમતીઓને શરણ આપવાની ઘણા લાંબા સમય જૂની માગ સંતોષી છે.
જૂથે કહ્યું હતું કે ૧૯૫૦ની સાલના લિયાકત-નેહરુ કરારની નિષ્ફળતા બાદ કોંગ્રેસ અને સીપીએમ જેવી વિવિધ પાર્ટીઓ અને રાજકીય નેતાઓએ પાકિસ્તાન અને બાંગ્લાદેશના દલિતો તથા ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની માગણી કરી હતી.
ગ્રૂપના નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે અમે સંતોષ સાથે એ વાતની નોંધ લઈએ છીએ કે નોર્થ-ઈસ્ટના રાજ્યોની ચિંતાઓને સાંભળવામાં આવી છે અને તેનો સત્વરે ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. કાયદાના સમર્થનમાં નિવેદન જારી કરનાર વિદ્વાનોની યાદીમાં જેએનયુના પ્રોફેસર અનુલ હસન, નાલંદા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેર સુનૈના સિંહ, જેએનયુના રજિસ્ટ્રાર ડો. પ્રમોદ કુમાર, દિલ્હી યુનિવર્સિટીના સ્વદેશ સિંહ, સ્વપ્ન દાસગુપ્તા, રિસર્ચ ફેલો સુશાંત સરીન, લેખક અનિર્બાન ગાંગુલી સહિત કુલ ૧૧૦૦ લોકો સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter