સીબીઆઇની કસ્ટડીમાંથી ૧૦૩ કિલો સોનું ગાયબ..!

Wednesday 23rd December 2020 02:27 EST
 
 

ચેન્નઇઃ તામિલનાડુની રાજધાની ચેન્નઇમાં સીબીઆઇની કસ્ટડીમાં રાખવામાં આવેલું રૂપિયા ૪૫ કરોડની કિંમતનું ૧૦૩ કિલો સોનું ગાયબ થઈ ગયું છે. ૨૦૧૨માં સીબીઆઇએ ચેન્નઇની સુરાના કોર્પોરેશન લિમિટેડ પર દરોડો પાડીને ૪૦૦.૫ કિલો સોનાના બિસ્કિટ, બાર અને ઘરેણા જપ્ત કર્યાં હતાં. જપ્ત કરાયેલું આ સોનું સુરાના કોર્પોરેશનની સેફ અને વોલ્ટમાં સીબીઆઇના લોક સાથે સીલ કરી દેવાયું હતું.
ચેન્નઇ સ્થિત મિનરલ્સ એન્ડ મેટલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સુરાના કોર્પોરેશનને ગેરકાયદે રીતે લાભ અપાવતા હોવાના આરોપો બાદ સીબીઆઇએ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. સીબીઆઇનો દાવો છે કે તેણે ચેન્નઇની સીબીઆઇ કેસો માટેની પ્રિન્સિપલ સ્પેશિયલ કોર્ટમાં તમામ સેફ અને વોલ્ટની ૭૨ ચાવી જમા કરાવી હતી. દરોડાની કામગીરી વખતે તમામ ગોલ્ડ બારનું એક સાથે વજન કરાયું હતું. જોકે લિક્વિડેટરને સોંપણી કરતી વખતે અલગ અલગ વજન કરાયું હતું અને તેના કારણે આ તફાવત જોવા મળી રહ્યો છે. અલબત્ત, સીબીઆઇએ ચાવીઓ કોર્ટમાં જમા કરાવી હોવાનો કોઈ ઉલ્લેખ દસ્તાવેજોમાં જોવા મળી રહ્યો નથી.

ગુમ થયેલું સોનું શોધવા આદેશ

મદ્રાસ હાઇ કોર્ટે સીબીઆઇની કસ્ટડીમાંથી ગાયબ થઈ ગયેલા ૧૦૩ કિલો સોનાને શોધી કાઢવા તામિલનાડુ પોલીસને આદેશ આપ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ પી. એન. પ્રકાશે જણાવ્યું હતું કે, સીબીઆઇ માટે આ અગ્નિપરીક્ષા હોઈ શકે, પરંતુ અદાલત તેને મદદ કરી શકે તેમ નથી. જો સીબીઆઇ સીતાની જેમ પવિત્ર હશે તો તે અગ્નિપરીક્ષામાંથી હેમખેમ પસાર થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter