રાયપુરઃ છત્તીસગઢના સુકમામાં સીઆરપીએફના ૧૨ જવાનો એક સ્ત્રીની જાળમાં ફસાઈને મદદ કરવા ગયા અને શહીદ થઈ ગયા છે. સુરક્ષાદળો દ્વારા એવું જણાવાયું છે કે, નક્સલીઓએ જવાનોને ફસાવવા માટે હની ટ્રેપની કે સ્ત્રીની મદદ લીધી હતી. સંભવતઃ ૧૧મી માર્ચે રોડ ઓપનિંગ પાર્ટી નિયમિત પેટ્રોલિંગ પર હતી. જંગલમાંથી એક મહિલા બૂમો પાડતી જવાનો તરફ દોડતી આવી હતી. તેણે માર્ગ પર બીજી તરફ ઈશારો કરતાં કહ્યું કે ત્યાં હાજર કેટલાક લોકો તેની સાથે બળજબરી કરી રહ્યા હતા. જવાનો મહિલાનો વિશ્વાસ કરીને તેની સાથે ગયા અને ત્યાં પહોંચતા મહિલાએ એક જવાનની બંદૂક નમાવી ઈશારો આપતાં તાંકીને બેઠેલા નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. ત્રણ સૈનિકોના શરીર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો. સૈનિકો કોઈ પણ પ્રતિક્રિયા આપે તે પહેલાં તેમના શરીર ગોળીઓથી વીંધી નંખાયાં હતાં. જોકે બીજી તરફ એવી પણ આશંકા સેવાઈ રહી છે કે તે કોઈ નક્સલી નથી અને સામાન્ય મહિલા છે. તેની ઉંમર આશરે ૨૦થી ૨૫ વર્ષની વચ્ચેની છે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે હુમલા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ તાજેતરમાં જારી કર્યો છે.


