ખાર્ટુમ, નવી દિલ્હીઃ આંતરિક યુદ્ધની અશાંતિ ધરાવતા આફ્રિકન દેશ સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. મંગળવારે ‘ઓપરેશન કાવેરી’ના પ્રથમ તબક્કામાં સુદાનમાં ફસાયેલા 278 ભારતીયોની પ્રથમ બેચ INS સુમેધા મારફત જેદ્દાહ જવા રવાના કરાઈ હતી. અહીંથી તેમને એરલિફ્ટ કરી ભારત લવાશે. વિશ્વના દેશોએ યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સલામતીપૂર્વક ખસેડવાની ઝડપી કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી અમેરિકા, બ્રિટન સહિત 9 દેશોએ તેમના રાજદ્વારીઓને બચાવી લીધા છે અને હવે નાગરિકોને ખસેડવાની કામગીરી શરૂ કરાશે તેમ જાણવા મળે છે. અન્ય મહત્ત્વની ઘટનામાં સુદાનમાં ગૃહયુદ્ધ વચ્ચે ત્રણ દિવસનો યુદ્ધવિરામ જાહેર કરાયો હતો. જોકે, કેટલાક અહેવાલો યુદ્ધ યથાવત હોવાનું જણાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓપરેશન કાવેરી’ની માહિતી આપતા જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા અમારા લોકોને સુરક્ષિત લાવવાની છે અને તેનું અભિયાન શરૂ થઈ ગયું છે. વિદેશમંત્રી઼ ડો.એસ. જયશંકરે પણ ટ્વિટર પર માહિતી આપી હતી કે, ‘સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરુ કરવામાં આવ્યું છે. લગભગ 500 ભારતીયો સુદાનની દક્ષિણે આવેલા પોર્ટ સુદાન પહોંચ્યા છે જે રાજધાની ખાર્ટુમથી કિલોમીટરના અંતરે છે. વધુ ભારતીયોની બચાવ કામગીરી શરુ છે. ભારતીય જહાજો અને વિમાન તેમને ઘરે લઇ જશે. ભારત સુદાનમાં આપણા તમામ ભાઈઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.’ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ઓપરેશન કાવેરી હેઠળ બચાવવામાં આવેલા લોકોની તસવીર અને વીડિયો પણ જાહેર કર્યા હતા.
ભારતીયોને સ્વદેશ લાવવાનું ‘ઓપરેશન કાવેરી’
ભારત સહિત ઘણા દેશોના નાગરિકો ત્યાં ફસાયેલા છે. દરમિયાન, ભારતે સુદાનમાં ફસાયેલા લગભગ 3000 ભારતીયોને બહાર કાઢવા અને દેશમાં પાછા લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરૂ કર્યું છે. ભારતીયોને પરત લાવવા માટે વાયુસેનાના બે C-130J વિમાન અને નેવીનું INS સુમેધા સાઉદી અરેબિયા અને પોર્ટ ઓફ સુદાન પહોંચ્યા હતા. શરૂઆતમાં 500 ભારતીયોને પોર્ટ ઓફ સુદાન લઈ જવાયા હતા જેમાંથી 278 લોકો INS સુમેધા મારફત સાઉદી અરેબિયાના જેદ્દાહ જવા રવાના થયા હતા. સુદાનનું એરસ્પેસ બંધ કરી દેવાયું હોવાથી ભારતીયોને માત્ર જળમાર્ગે લાવવાનો વિકલ્પ જ બચ્યો છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, ભારત સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. અમે સુદાનમાં સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે વિવિધ પાસાઓ પર પણ કામગીરી કરી રહ્યા છીએ. વિદેશ મંત્રાલય તેમજ સુદાનમાં ભારતીય દૂતાવાસ સુદાનના સત્તાવાળાઓ ઉપરાંત,યુએન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), ઈજિપ્ત અને યુએસના સતત સંપર્કમાં છે. ભારતીય અધિકારીઓ સુદાનમાં ફસાયેલા નાગરિકોના સંપર્કમાં પણ છે અને તેમને સલામત હિલચાલ તથા અનાવશ્યક જોખમ નહિ લેવાની સલાહ આપી રહ્યા છે. ભારત સરકાર આ મિશનને ઝડપથી પૂર્ણ કરવા માટે ઘણા વિકલ્પો પર કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની હિંસામાં કેરાલાના 48 વર્ષીય પીઢ સૈનિક આલ્બર્ટ ઓગસ્ટાઈનનું ગોળીબારથી મોત થયું હતું. તેમનો પુત્ર યુકેમાં અભ્યાસ કરે છે.
ફ્રાન્સે પણ ભારતીયોને બહાર કાઢ્યા
વિશ્વના અન્ય દેશો પણ સુદાનમાંથી પોતાના નાગરિકોને ખસેડવાની કામગીરી ચલાવી રહ્યા છે ત્યારે ફ્રાન્સે પણ તેના ઈવેક્યુએશન મિશનમાં કેટલાક ભારતીયો સહિત 27 દેશોના નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢ્યા હતા. સોમવાર 24 એપ્રિલે નવી દિલ્હીમાં ફ્રાન્સના દૂતાવાસે જણાવ્યું હતું કે ભારત સહિત 28 દેશના 388 નાગરિકોને સલામત ખસેડી લેવાયા છે. જોકે, ભારતીય નાગરિકોની સંખ્યા જાહેર કરાઈ ન હતી. અગાઉ, સાઉદી અરેબિયાએ પણ સાઉદી ફ્લાઈટના હિસ્સો રહેલા ત્રણ ભારતીયોનું સ્થળાંતર કરાવ્યું હતું.
સુદાનમાં ગૃહયુદ્ધઃ 450થી વધુ લોકોના મોત
આફ્રિકન દેશ સુદાન હાલમાં ગૃહયુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. યુએનના અહેવાલો મુજબ સુદાનીઝ આર્મી અને પેરામિલિટરી દળો રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 450થી વધુ લોકોના મોત થયા છે અને 3700થી વધુ લોકોને ઈજા પહોંચી છે. સુદાનમાં સતત 11મા દિવસ મંગળવારે પણ યુદ્ધની સ્થિતિ યથાવત રહી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ અને સાઉદી અરેબિયાના દબાણથી ત્રણ દિવસનો યુદ્ધવિરામ જાહેર કરાયો હતો પરંતુ, રાજધાની ખાર્ટુમમાં તોપમારા અને વિસ્ફોટોના અવાજો સંભળાતા હોવાનું સ્થાનિક અહેવાલો જણાવે છે. યુદ્ધવિરામ દરમિયાન, વિશલ્વના દેશો પોતાના નાગરિકોને સુદાનમાંથી ખસેડવાની કામગીરી ઝડપી બનાવશે. અત્યાર સુધી માત્ર સ્પેન, જોર્ડન, ઈટાલી, ફ્રાન્સ, ડેનમાર્ક પોતાના નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં સફળ થયા છે.


