બાલાસોરઃ ભારતે કેટલાક સુધારા સાથેની દેશી બનાવટની સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું ઓડિશાના કિનારેથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. નીચલા સ્તરે પણ પ્રહાર કરી શકે એવી આ સ્ટેટ ઓફ આર્ટ મિસાઇલ બીજી ઓગસ્ટે સવારે ૧૧-૨૪ મિનિટે છોડવામાં આવી હતી. હજુ સુધી આ મિસાઈલને કોઈ ચોક્કસ નામ અપાયું નથી. તે આધુનિક હવાઇ સુરક્ષા મિસાઇલ ઇન્ટરસેપ્ટરને ડો. અબ્દુલ કલામ આઇલેન્ડના ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જના લોચપેડ-ચાર પરથી છોડવામાં આવી હતી.
મલ્ટી લેયર બેલેસ્ટિક મિસાઇલ સુરક્ષા પદ્ધતિ વિકસાવવાના પ્રયાસના એક ભાગરૂપે બનાવવામાં આવેલી આ મિસાઇલ સામેથી છોડવામાં આવેલી મિસાઇલને હવામાં જ તોડી નાંખવાની ક્ષમતા ધરાવે છે. મિસાઇલમાં સૌથી અગત્યની બાબત છે તેની ‘કિલ’ અસરકારકતા. અગાઉના પરીક્ષણમાં પણ તેને વેલિડ ગણાવાઈ હતી. આ પરીક્ષણમાં સિસ્ટમમાં દાખલ કરેલા નવા ફીચરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.


