તિરુવનંતપુરમઃ સબરીમાલામાં રજસ્વલા મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા સામે સબરીમાલા મંદિરનાં દ્વાર સોમવારે રાત્રે બંધ થયાં ત્યાં સુધીમાં એકપણ રજસ્વલા મહિલાને મંદિરમાં પ્રવેશ કરવા દેવાયો નહોતો. ઐયપ્પાના ભક્તો અને મંદિરના લાખો શ્રદ્ધાળુઓએ છેલ્લા દસ દિવસથી મંદિર જતાં તમામ માર્ગો અને સ્થળોએ કબજો કરી રાખ્યો હતો. તેમણે ૧૦થી ૫૦ વર્ષની એકપણ મહિલાને મંદિરમાં જવા દીધી નહોતી. આ તમામ વિવાદો વચ્ચે ત્રણ મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસદળની સુરક્ષા હેઠળ તેમને મંદિરમાં લઈ જવાનો પ્રયાસ કરાયો હતો છતાં લોકોએ તેમને મંદિરમાં પ્રવેશવા દીધાં નહોતાં. મંદિરના પૂજારીએ રજસ્વલા મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરશે તો મંદિર બંધ કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી. કેરળના રાજવી પરિવારે આવી જ ધમકી ઉચ્ચારી હતી, જેને કારણે સ્થાનિક તંત્ર અટવાઈ ગયું હતું.

