સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની નિવૃત્તિ પહેલાં ધડાધડ મહત્ત્વના ચુકાદાઓ

Wednesday 03rd October 2018 07:25 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા બીજી ઓક્ટોબરે નિવૃત્ત થયા અને જસ્ટિસ રંજન ગોગઈ તેમના અનુગામી બનશે. ઉલ્લેખનીય છે કે દીપક મિશ્રાની નિવૃત્તિ પહેલાના પખવાડિયામાં સુપ્રીમ કોર્ટે બેંક ખાતાં અને મોબાઇલ નંબર માટે આધારની અનિવાર્યતા નાબૂદ, મસ્જિદ ઇસ્લામનું અભિન્ન અંગ નહીં, ભારતમાં વ્યભિચાર અપરાધ નહીં, ભીમેગાંવ કેસના ચાર એક્ટિવિસ્ટની નજરકેદ ચાર સપ્તાહ વધારવાની સીટની માગને રદિયો અને સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશનો અધિકાર જેવા અત્યંત મહત્ત્વના ચુકાદા આપ્યા હતા.

દીપક મિશ્રાની નિવૃત્તિ

સુપ્રીમ કોર્ટ દ્વારા સપ્ટેમ્બરમાં ધડાધડ મહત્ત્વના ચુકાદાઓ બાદ મિશ્રા તેમની વિદાયની પાર્ટીમાં મુક્ત મને બોલ્યા હતા કે, ‘હું લોકોને ઇતિહાસની રીતે જજ નથી કરતો. હું એવું પણ કહી નથી શકતો કે તમે તમારી વાત અટકાવો, જેથી હું બોલી શકું. હું તમારી વાત સાંભળીશ અને પોતાની રીતે મારી વાત રજૂ કરીશ. હું લોકોને ઇતિહાસથી નહિ તેમની ગતિવિધિ અને વિચારથી જજ કરું છું.' તેમણે કહ્યું કે સમતાની સાથે ન્યાય મતલબ કે ‘જસ્ટિસ વિથ ઇક્વિટી' ત્યારે સાર્થક થશે જ્યારે દેશના સુદૂર વિસ્તારમાં કોઈનો કોઈ વ્યક્તિને ન્યાય મળશે. ન્યાયનો માનવીય ચહેરો અને માનવીય મૂલ્ય હોવા જોઇએ. ગરીબ અને ધનિકના આંસુ સરખાં છે.

સબરીમાલામાં મહિલા પ્રવેશ

સુપ્રીમના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિન્ટન નરિમાન, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની પાંચ જજની બંધારણીય બેંચે ૮૦૦ વર્ષ જૂની ધાર્મિક પરંપરાનો અંત લાવતાં સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને ૨૮મીએ દૂર કરી દીધો હતો. બેંચે જણાવ્યું કે, ઉંમરના કોઈપણ પ્રકારના બાધ વિના મહિલાઓ કેરળનાં સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. બેંચે જણાવ્યું કે કેરળ હિંદુ પ્લેસિસ ઓફ પબ્લિક વર્શિપ (ઓથોરાઇઝેશન ઓફ એન્ટ્રી) રૂલ્સ, ૧૯૬૫ હિંદુ મહિલાઓના ધર્મપાલનના અધિકારનું ઉલ્લંઘન કરે છે. શારીરિક ગુણધર્મો પર આધારિત કોઈ કાયદો બંધારણની પરીક્ષામાં પાસ થઈ શકે નહીં. ધર્મમાં પુરુષનાં પ્રભુત્વને પૂજા કરવાના અધિકાર છીનવી લેવાની પરવાનગી આપી શકાય નહીં. ભારતમાં મહિલાને દેવી તરીકે પૂજાય છે અને મંદિરમાં પ્રવેશ કરતાં અટકાવવામાં આવે છે. ધર્મનાં નામે પુરુષવાદી વિચારો યોગ્ય નથી.

ભક્તો એકસમાનઃ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તમામ ભક્તો એકસમાન છે. મહિલા હોવાને કારણે ભક્ત સાથે ભેદભાવ કરી શકાય નહીં. સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશ નહીં આપવાની પરંપરા બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. કોઈ વ્યક્તિનાં ગૌરવને ટોળાની નૈતિકતાના નિર્ણય પર છોડી શકાય નહીં. ધર્મને આગળ કરીને મહિલાને પૂજા કરતી અટકાવી શકાય નહીં. મહિલા રજસ્વલા છે તેના આધારે તેને મંદિરમાં પ્રવેશતી અટકાવી શકાય નહીં. આ પ્રકારની પરંપરાઓ મહિલાઓનાં ગૌરવનું હનન કરે છે અને તેને બંધારણ અંતર્ગત પરવાનગી આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે પોતાને અલગ ધાર્મિક સંપ્રદાય ગણાવતાં અયપ્પા સમુદાયને જણાવ્યું હતું કે, અયપ્પાના ભક્તો અલગ ધાર્મિક સંપ્રદાય નથી. અયપ્પાના ભક્ત હિંદુ જ છે, તેઓને અલગ ધાર્મિક સંપ્રદાય ગણી શકાય નહીં.

સબરીમાલા કેસઃ પાંચ મહિલા વકીલોનાં ઈન્ડિયન યંગ લોયર્સ એસોસિયેશને સુપ્રીમમાં કેરાલા હિંદુ પ્લેસિસ ઓફ પબ્લિક વર્શિપ રૂલ્સ, ૧૯૬૫ની કલમ ૩(બી)ને પડકાર આપ્યો હતો. આ કલમ રજસ્વલાની ઉંમર દરમિયાન મહિલાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવે છે. ૧૯૯૧માં કેરળ હાઇકોર્ટે કેરાલા હિંદુ પ્લેસિસ ઓફ પબ્લિક વર્શિપ રૂલ્સ, ૧૯૬૫ અંતર્ગત સબરીમાલા મંદિરમાં ચોક્કસ વયજૂથની મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને યથાવત્ રાખતો ચુકાદો આપ્યો હતો. હાઇ કોર્ટે જણાવ્યું હતું કે, ધાર્મિક પરંપરાઓ અંગે નિર્ણય લેવાનો અધિકાર ફક્ત મંદિરના વડા પૂજારીને જ છે. હાઇકોર્ટના ચુકાદાને ૨૦૦૮માં હેપી ટુ બ્લીડ જેવાં સંગઠનો દ્વારા પડકાર અપાયો હતો.

ચાર પુરુષ જજ તરફેણમાં, ૧ મહિલા જજ વિરુદ્ધમાં!: સબરીમાલા મંદિરમાં પ્રવેશ અંગેના મહિલાઓના અધિકારની પાંચ જજની બેંચના ૪ પુરુષ જજ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિન્ટન નરિમાન, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે તરફેણ કરી હતી જ્યારે એકમાત્ર મહિલા જજ જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કર્યો હતો!

સબરીમાલા કેસમાં ચુકાદો આપનારી પાંચ જજની બેન્ચમાં એકમાત્ર મહિલા જજ જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, કેરળનાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાના ચુકાદા સાથે મારો અંતરાત્મા સંમત થતો નથી. દેશમાં બિનસાંપ્રદાયિક વાતાવરણની જાળવણી માટે સદીઓથી ચાલ્યા આવતા ધાર્મિક રિવાજો બદલી શકાય નહીં. જો ધાર્મિક પરંપરાઓમાં ભેદભાવ થતો હોય તો પણ અદાલતોએ તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. ધાર્મિક મામલાઓમાં તર્કસંગતતા લાવવી જોઈએ નહીં. સતી જેવા સામાજિક દૂષણ સિવાયની ધાર્મિક પરંપરાઓ અને રિવાજોમાં અદાલતોએ માથું મારવું જોઈએ નહીં. બીજી તરફ, મહિલાઓની પ્રવેશબંધીને પડકારનાર ચુકાદાને મહિલાઓ માટે પ્રતિબંધિત એવા મંદિરોમાં મહિલાઓને પ્રવેશ અપાવવા આંદોલન છેડનાર તૃપ્તિ દેસાઈએ ચુકાદાને વધાવ્યો હતો. તેણે કહ્યું કે ટૂંક સમયમાં તે સબરીમાલાના દર્શને જશે એમ જણાવ્યું છે.

વ્યભિચાર ગુનો નહીં

સુપ્રીમે ૨૭મીએ વ્યભિચારને પુરુષો માટે સજાપાત્ર અપરાધ ગણાવતી ઇન્ડિયન પીનલ કોડની ધારા ૪૯૭ને ગેરબંધારણીય ગણાવીને રદ કરી હતી. સુપ્રીમે જણાવ્યું કે, ૧૫૮ વર્ષ જૂનો વ્યભિચારનો કાયદો જીવન જીવવા તથા વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપતા બંધારણના આર્ટિકલ ૨૧ અને સમાનતાના અધિકાર આપતા આર્ટિકલ ૧૪નું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત પોતાની પત્ની સાથે વ્યભિચાર કરનાર પુરુષ સામે કેસ દાખલ કરવાની પરવાનગી આપતી ક્રિમિનલ પ્રોસીજર કોડની ધારા ૧૯૮(૧) અને ૧૯૮(૨)ને પણ સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી હતી. સુપ્રીમે જણાવ્યું કે, વ્યભિચારના આધારે છૂટાછેડા લઈ શકાશે, પરંતુ તે ક્રિમિનલ અપરાધ ગણાશે નહીં. ઉલ્લેખનીય છે કે ૬ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે ભારતમાં સજાતીય સંબંધોને અપરાધ ગણાવતી આઈપીસીની ધારા ૩૭૭ને ગેરબંધારણીય ગણાવી રદ કરી નાંખી હતી હવે વ્યભિચારને અપરાધ ગણાવતી ધારા ૪૯૭ને પણ રદ કરી છે!

મસ્જિદ ઇસ્લામનું અભિન્ન અંગ નહીં

મસ્જિદને ઇસ્લામનું અભિન્ન અંગ નહીં ગણવાની ટિપ્પણીવાળા ૨૪ વર્ષ જૂના ચુકાદાને પુનઃ વિચાર માટે ૭ જજની બંધારણીય બેંચને મોકલવાનો સુપ્રીમે સ્પષ્ટ ઇનકાર કરતાં કોર્ટે જ નક્કી કર્યું કે, અયોધ્યા કેસના મૂળ ભૂમિ વિવાદ અંગે ૨૯ ઓક્ટોબરથી સુનાવણી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, ૧૯૯૪ના ઇસ્માઇલ ફારુકી જજમેન્ટમાં પાંચ જજની બેંચે કહ્યું હતું કે, મસ્જિદ ઇસ્લામનું અભિન્ન અંગ નથી. અયોધ્યા વિવાદ પર ૨૦૧૦માં આવેલા અલ્હાબાદ હાઈ કોર્ટના ચુકાદામાં પણ આનો ઉલ્લેખ હતો. મુસ્લિમ પક્ષે અયોધ્યા ભૂમિ વિવાદની સુનાવણી શરૂ થાય તે પહેલાં આ ચુકાદા અંગે પુનઃ વિચારણા કરવાની માગ કરી હતી. દરમિયાનમાં અયોધ્યા વિવાદની સુનાવણીની તારીખ નક્કી થઈ હોવાના નિર્ણયને આવકારતાં આરએસએસએ આશા વ્યક્ત કરી છે કે, આ કેસમાં ન્યાયોચિત નિર્ણય થશે.

ઇસ્માઈલ ફારુકી કેસ: અયોધ્યામાં કારસેવકોએ ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસ કરી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે ૭ જાન્યુઆરી, ૧૯૯૩ના રોજ એક વટહુકમ લાવીને અયોધ્યામાં ૬૭ એકર જમીનનું સંપાદન કર્યું હતું. આ રીતે વિવાદિત જમીનનો ૧૨૦X૮૦ ફૂટનો હિસ્સો પણ સંપાદિત કરી દેવાયો હતો તેને બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ પરિસર કહેવાય છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે ઈસ્માઈલ ફારુકીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે, ધાર્મિક સ્થળને સરકાર કેવી રીતે પોતાના હસ્તક લઈ શકે. આ સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, મસ્જિદમાં નમાજ અદા કરવી એ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી.

બેંકખાતાં અને મોબાઇલ નંબર માટે આધાર જરૂરી નહીં

આધાર એક્ટ ૨૦૧૬માં કેટલાક સુધારા સાથે ૨૬મીએ સુપ્રીમે તેને બંધારણીય માન્યતા આપી હતી. સુપ્રીમે આધારને સંવેધાનિક રીતે માન્ય ગણાવ્યું હતું સાથે જ અદાલતે આધારને બેંક ખાતા, મોબાઈલ ફોન સીમ અથવા શાળામાં દાખલો લેવા માટે ગેરજરૂરી ગણાવ્યો હતો. સુપ્રીમે જણાવ્યું કે, આધાર ન હોય તો નાગરિકને અધિકારથી વંચિત રાખી શકાય નહીં. શાળામાં પ્રવેશ માટે આધાર ફરજિયાત નથી. આધાર નંબર ન હોય તે માટે કોઈ બાળકને કોઈપણ યોજનાના લાભથી વંચિત રાખી શકાય નહીં. ઉપરોક્ત ચુકાદાઓની સાથે સાથે ૨૫મીએ સુપ્રીમ કોર્ટે ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહેલા ઉમેદવારોના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ૨૬મીએ અન્ય એક ચુકાદા અંગે સુપ્રીમે જણાવ્યું કે સરકારી નોકરીમાં એસસી અને એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામતનો લાભ આપવા અંગેના ૨૦૦૬ના ચુકાદાને સાત જજોની બેંચ સમક્ષ રજૂ કરવાની જરૂર જ નથી. સુપ્રીમે એસસી-એસટીને પ્રમોશનમાં અનામત આપવા અંગેનો અંતિમ નિર્ણય રાજ્યોને લેવાની પરવાનગી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter