નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ૧૮મીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા અંગે વિચાર કરાશે. આ કલમને કારણે સંસદ પાસે જમ્મુ-કાશ્મીર માટે કાયદો બનાવવાની મર્યાદિત સત્તા હોય છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે તે આ અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરવા પર વિચાર કરશે. વરિષ્ઠ વકીલ અને ભાજપ નેતા અશ્વિનીકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ અંગેની અરજીઓ રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોવાથી તેની તાત્કાલિક સુનાવણી થવી જોઇએ. ખંડપીઠે ઉપાધ્યાયને જણાવ્યું હતું કે રજિસ્ટ્રારને તમારો મેમો આપી દો. અમે આ અંગે વિચાર કરીશું.

