સુપ્રીમના સ્ટે પહેલાં જ આરે કોલોનીનાં ૨૧૮૫માંથી ૨૧૪૧ વૃક્ષનું નિકંદન

Wednesday 09th October 2019 08:53 EDT
 
 

નવી દિલ્હીઃ મુંબઈના આરે કોલોની વિસ્તારમાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના કાર શેડના નિર્માણ માટે અંદાજિત ૨૧૪૧ વૃક્ષ કપાઈ ગયાં પછી સોમવારે સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેન્ચે મહારાષ્ટ્ર સરકારને વધુ વૃક્ષો કાપવા પર મનાઈહુકમ ફરમાવ્યો છે. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે રાજ્ય સરકારને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કરતાં જણાવ્યું હતું કે, આ મામલામાં થયેલી તમામ અરજીઓની સુનાવણી ૨૧ ઓક્ટોબરે હાથ ધરાશે. આરે કોલોનીમાં સેંકડોની સંખ્યામાં વૃક્ષ કાપવા સામે રવિવારે દિલ્હીના કાયદા શાખાના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ચીફ જસ્ટિસને પત્ર લખાયો હતો. જેની સુઓ મોટો નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે પત્રને જાહેરહિતની અરજી તરીકે સ્વીકારી સુનાવણી હાથ ધરી હતી.

સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં વૃક્ષ કાપવાનો વિરોધ કરવા માટે ધરપકડ કરાયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરી દેવાનો પણ આદેશ જારી કર્યો હતો. તે ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પણ આ મામલામાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ અદાલતે મહારાષ્ટ્ર સરકાર વતી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને આપ્યો હતો.

તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, હવે આરે કોલોનીમાં વધુ કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે. મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના પગલાં સામે વિરોધ કરતાં પકડાયેલાં લોકોને મુક્ત કરી દેવાયા છે. હજુ કોઈને મુક્ત નહીં કરાયા હોય તો તેમને તાત્કાલિક મુક્ત કરી દેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter