સુરક્ષા દળોને યોગ્ય કાર્યવાહી કરવા સંપૂર્ણ સ્વતંત્રતા અપાઇ છે, બલિદાન વ્યર્થ નહીં જાયઃ નરેન્દ્ર મોદી

Friday 15th February 2019 05:16 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલાની નિંદા કરતા સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદીઓએ આ હુમલો કરીને બહુ મોટી ભૂલ કરી છે. તેમને આ ભૂલની કિંમત ચૂકવવી જ પડશે. આપણા સુરક્ષા દળોને આ આતંકી હુમલા સંદર્ભે યોગ્ય લાગે તે કાર્યવાહી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. આપણને તેમની સજ્જતા અને ક્ષમતામાં પૂરો ભરોસો છે.
નરેન્દ્ર મોદીએ આતંકી હુમલા બાદ પહેલી વખત શુક્રવારે જાહેર સમારંભને સંબોધતા આ પ્રતિભાવ આપ્યો હતો. તેમના આ નિવેદનને સુરક્ષા નિષ્ણાતો પાકિસ્તાન સામે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકની શક્યતા તરીકે નિહાળે છે.
આ પૂર્વે મોદીએ આતંકી હુમલા બાદ ટ્વિટ કરતાં લખ્યું હતું કે, પુલવામામાં સીઆરપીએફના જવાનો પરનો હુમલો બેહદ ઘૃણાસ્પદ અને નિંદનીય છે. હું આ કાયરતાભર્યા હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરું છું. હુમલામાં શહીદ થયેલા બહાદુર જવાનનાં બલિદાન વ્યર્થ નહીં જાય. આજે આખો દેશ શહીદોના પરિવાર સાથે ખભેખભા મિલાવીને ઊભો છે. જેમને હુમલામાં ઈજા થઈ છે તેઓ જલદી સાજા થાય તેવી મારી પ્રાર્થના છે. આ ઘટનામાં મેં સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરીને જાણકારી મેળવી છે. નાણાં પ્રધાન જેટલીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, જવાનોની શહાદતનો બદલો લેવામાં આવશે.
એક-એક ટીપાનો બદલો લેવાશે
કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ આર્મી ચીફ વી. કે. સિંહે કહ્યું હતું કે દેશના એક સૈનિક અને નાગરિક હોવાના નાતે મારું લોહી આ કાયરતાભર્યા હુમલાથી ઊકળી ઊઠ્યું છે. હું તેમની શહાદતને સલામ કરું છું અને વચન આપું છું કે તેમનાં લોહીનાં એક એક ટીપાનો બદલો લેવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter