સુરત-દીવ રો-રો ફેરીનું કામ પૂર્ણતાના આરે, હવે 12 કલાકનું અંતર માત્ર 5 કલાકમાં કપાશે
સુરતથી ઘોઘા સુધી રો-રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ સુરતથી દીવ સુધી રો-રો ફેરી સર્વિસ શરૂ થશે. દીવના દરિયાકિનારે ટર્મિનલ બિલ્ડિંગ અને વેઈટિંગ એરિયા સહિતનું કામ પૂર્ણતાના આરે છે. સુરતથી દીવની રો-રો ફેરી ટૂંક સમયમાં શરૂ થાય તેવા ઉજળા સંજોગો છે. સુરતથી દીવ બાય રોડ પહોંચવા માટે 12 કલાકથી વધારેનો સમય લાગે છે. જ્યારે રો-રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ મુસાફરી સમયમાં સાત કલાકનો ઘટાડો થશે અને દરિયાઈ માર્ગે સરળતાથી દીવ પહોંચી શકાશે. ડ્રેજિંગ પણ ઝડપી થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સુરતથી દીવનું બાય રોડ અંતર 560 કિલોમીટર છે. જેમાં 11થી 12 કલાક લાગે છે. રો-રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ ટ્રાન્સપોર્ટેશન ટાઈમમાં ઘટાડો થશે. અંદાજે 4થી 5 કલાકમાં જ દીવ ફેરી સર્વિસ દ્વારા પહોંચી શકાશે. સૌરાષ્ટ્ર તેમજ ખાસ કરીને દીવના ગામોના લોકોને આ ફેરીથી વધારે ફાયદો થશે.
ઘોઘા ફેરીમાં એક્ઝિક્યુટિવ ક્લાસના 650 રૂપિયા અને બપોરે 4 વાગ્યાના એક્ઝિક્યુટિવ ક્લાસમાં 500 રૂપિયા ટિકિટ છે. જોકે, સુરતથી દીવ ફેરી સર્વિસ માટે હજી સુધી ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો નથી. જે આગામી સમયમાં નક્કી કરવામાં આવશે.
•••
દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કૂલ દાનહમાં
દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશના વિસ્તાર માટે સૌપ્રથમ મિલિટરી એકેડમી સ્કૂલનો દાદરા નગર હવેલી (દાનહ)માં પહેલી જૂનથી પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશમાં પ્રથમ આધુનિક સુવિધાયુકત સુભાષચન્દ્ર બોઝ સૈનિક સ્કૂલ 550 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવે છે. જેમાં 67 ટકા સ્થાનિકોને ડોમિસાઇલવાળા સર્ટિફિકેટ સાથે એડમિશન મળશે અપાશે. આ શાળામાં સીબીએસઇ પેર્ટન મુજબ એજ્યુકેશન અપાશે. દાનહ નજીક આવેલાં મોટા રાંધા ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માર્ગદર્શન હેઠળ વિદ્યાભારતી સંચાલિત સૈનિક સ્કૂલનો પ્રોજેકટ વર્ષ 2021થી હાથ ધરાયો છે. દાનહમાં સૈનિક સ્કૂલ સ્થાપવાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે દમણ, સેલવાસ, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રનાં યુવાનોને સૈનિકની ટ્રેનિંગ લેવા દૂર સુધી જવું પડે નહીં. મોટા રાંધા સૈનિક સ્કૂલમાં શારીરિક તાલીમ, પરેડ, ડ્રીલ, કસરતો, પર્વતારોહણ, યોગ અને પ્રાણાયામ, મેદાની રમતો, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, રાઇફલ શૂટિંગ, ધર્નુરવિધા, જીપીએસસી ટ્રેનિંગ તેમજ દરેક કોમ્પિટિટિવ પરીક્ષાઓની તૈયારીનું આયોજન કરાયું છે.


