સુશાંત કેસ: સારા ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ, સિમોનને સમન્સની શક્યતા

Wednesday 23rd September 2020 06:00 EDT
 
 

મુંબઈઃ સુશાંતના મૃત્યુ કેસ હવે બોલિવૂડ ડ્રગ કેસમાં બદલાતો જાય છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) સમક્ષ રિયાએ ડ્રગ્સનું સેવન કરતી હોવાની કબૂલાત કર્યા બાદ શ્રેણીબદ્ધ રહસ્યોનો પર્દાફાશ કર્યો છે. તેણે એનસીબી સમક્ષ સ્વીકાર કર્યો હતો કે, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રિત અને સિમોન ખંભાતાના સુશાંત સાથે સારા સંબંધ હતા. તેઓ સાથે ડ્રગ પાર્ટી કરતા હતા. સારા, રકુલ અને સિમોન સાથે રિયાની મુલાકાત જિમમાં થઈ હતી અને પછી સુશાંતની પાર્ટીઓમાં હાજરીને પગલે તેમની મિત્રતા વધવા લાગી હતી. સૂત્રોના મતે રિયા ચક્રવર્તીના ખુલાસા અને સ્વીકાર બાદ એનસીબીએ સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રિત અને સિમોન ખંભાતાને પણ સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવાની તૈયારીઓ આરંભી દીધી છે.
બીજી તરફ એવી પણ વાત સામે આવી છે કે, ફિલ્મ કેદારનાથના શૂટિંગ સમયે સુશાંતની મુલાકાત (ડ્રગ પેડલર) રાહિલ વિશ્રામ સાથે થઈ હતી. તે પહેલાં સુશાંત ગાંજો પીતો હતો. રાહિલે તેને ડ્રગ્સની આદત પાડી હતી. કેદારનાથના શૂટિંગ દરમિયાન સુશાંતે વધારે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હોવાના પણ અહેવાલ છે. એનસીબી હવે રાહિલના સાગરીતો અને સાથીઓની શોધખોળ કરી રહી છે જેમણે બોલિવૂડમાં ડ્રગ્સનું ચલણ વધાર્યું છે.

ટેલેન્ટ મેનેજર જયા સહાની ડ્રગ્સ અંગે ચેટ મળી

સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સહા પણ ડ્રગ્સ કેસમાં ફિક્સમાં મુકાઈ ગઈ છે. સોમવારે તે એનસીબી સમક્ષ પૂછપરછ માટે હાજર થઈ હતી. મહત્ત્વની વાત એ છે કે, આ કેસમાં તપાસ દરમિયાન એનસીબીને જયા સહાની કેટલીક વોટ્સએપ ચેટ મળી છે. બોલિવૂડની ૯૦ના દાયકાની એક હિરોઈન અને જયા વચ્ચે ડ્રગ્સ મામલે થયેલી ચેટ સામે આવી છે. આ કારણે હવે જયા સહા ઉપર પણ ગાળિયો કસાય તેવી પૂરતી શક્યતા છે.
બીજી તરફ બોલિવૂડની નવોદિત અભિનેત્રી સાથે પણ જયાની ડ્રગ્સ અંગેની ચેટ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈડી સમક્ષ જયાએ કબૂલાત કરી હતી કે, સુશાંતે તેને ડિપ્રેશનની વાત કરી ત્યારે ચા અથવા તો કોફીમાં સીબીડી ઓઈલના થોડાં ટીપાં નાખીને પીવાની સલાહ તેણે આપી હતી. જયાએ એમ પણ જણાવ્યું હતું કે, તે જ્યારે ડિપ્રેશનમાં હતી ત્યારે જાતે આ ઓઈલનો ઉપયોગ કરતી હતી.

સુશાંત-સારાએ કોકેન લેવાનું શરૂ કર્યું હતું: રિયા

રિયા ચક્રવર્તીએ એનસીબી સમક્ષ ખુલાસો કર્યો છે કે, ફિલ્મ કેદારનાથના શૂટિંગ પછી સ્થિતિ સાવ બદલાઈ ગઈ હતી. તે પહેલાં સુશાંત ડ્રગ્સ લેતો હતો પણ માત્ર પાર્ટીઓમાં. તે ગાંજો પણ પીતો હતો. તેઓ કેદારનાથના શૂટિંગ માટે હિમાલય ગયા ત્યારે ત્યાં સરળતાથી ડ્રગ્સ અને ગાંજો મળી જતા હતા. ગાંજો પીવાના કારણે સુશાંત અને સારાનું વજન વધવા લાગ્યું હતું. તેને કારણે તેમણે કોઈ મળતિયાની મદદથી કોકેન લેવાનું શરૂ કરી દીધું. કોકેનથી વજન ઘટે છે તેથી તેઓ કોકેનના રવાડે ચડયા. તે વખતે ફિલ્મનું મોટાભાગનું યુનિટ આવો નશો કરતું હતું.
સુશાંત અને સારા એવી જગ્યાએથી વજન વધારીને આવ્યા હતા જ્યાં વજન વધવાની શક્યતાઓ નહીંવત હતી. તે સ્થિતિ જણાવે છે કે, તેઓ ડ્રગ્સ અને ગાંજાનો ઓવરડોઝ લેતા હતા. સુશાંત કેદારનાથનું શૂટિંગ પતાવીને આવ્યો ત્યારબાદ સંપૂર્ણ ડ્રગ એડિક્ટ થઈ ગયો હતો. તે ડ્રગ્સ છોડી શકે તેમ નહોતો તથા તેની સામે
મી ટૂના પણ આરોપો મુકાયા હતા. આ તમામ સ્થિતિને કારણે ૮ જૂને હું તેને છોડીને જતી
રહી. તેની સાથે રહેવામાં મારી કારકિર્દી જોખમાય તેમ હતું.

સુશાંતના વિસરા યોગ્ય રીતે પ્રિઝર્વ કરાયા નહોતા

સુશાંતના મૃત્યુ બાદ ઊભી થયેલી અનેક અટકળો વચ્ચે કેસમાં નવો જ વળાંક આવ્યો છે. તાજેતરમાં અહેવાલ આવ્યો છે કે, સુશાંતના વિસરા યોગ્ય રીતે પ્રિઝર્વ કરાયા નહોતા હોવાથી તેનો ફોરેન્સિક રિપોર્ટ બનવામાં વિલંબ થઈ રહ્યો છે. ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)ની ફોરેન્સિક ટીમે જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ અથવા તો સુશાંતની ઓટોપ્સી કરનાર કૂપર હોસ્પિટલના મેડિકલ બોર્ડ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાથી વિસરા ખરાબ થઈ ગયા છે અને તેના ઉપર ટેસ્ટિંગ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ‘એઇમ્સ’ની ટીમે જણાવ્યું કે, અમને આપવામાં આવેલા વિસરા ખૂબ જ ઓછા અને વિકૃત સ્થિતિમાં છે. આ વિસરા દ્વારા સુશાંતનાં મોત અંગે ઘણા ખુલાસા થાય તેમ છે. તેના કારણે ‘એઇમ્સ’ દ્વારા સીબીઆઇને રવિવારના બદલે આગામી અઠવાડિયે અહેવાલ સોંપવામાં આવશે.

સીબીઆઇના કહેવાથી ફોરેન્સિક તપાસ

સીબીઆઇના કહેવાથી ‘એઇમ્સ’ની ફોરેન્સિક એક્સપર્ટ ટીમ મૃત્યુ કેસમાં તપાસ કરી રહી છે. એક ટીમ દ્વારા ઘટનાનું રિક્રિએશન કરાયું હતું જ્યારે બીજી ટીમ સુશાંતના વધેલા વિસરાનું ટેસ્ટિંગ કરતી હતી. સૂત્રોના મતે મુંબઈના કૂપર હોસ્પિટલના પાંચ ડોક્ટર્સની ટીમ દ્વારા ૧૫ જૂને સુશાંતની ઓટોપ્સી કરીને તેના વિસરા પ્રિઝર્વ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે વિસરા મુંબઈ પોલીસને આપી દીધા હતા. તેમાં લિવર, પેન્ક્રિયાઝ અને આંતરડા જેવા અંગોનો સમાવેશ થાય છે. અહીંયા જ કોઈ બેદરકારી દાખવવામાં આવી હોય તેવી શંકાઓ સળવળી રહી છે.

રિયા, શૌવિકના જામીન અંગે ૨૯મીએ સુનાવણી

એનસીબી દ્વારા ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં રિયા હાલમાં ભાયખલા જેલમાં છે. રિયા, શૌવિક, મિરાન્ડા અને સાવંતની જામીન અંગે ૨૯ સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે. એનસીબીના સતત સવાલો અને ક્રોસ વેરિફિકેશનના મારા વચ્ચે રિયા ભાંગી પડી હતી. તેણે એનસીબી સમક્ષ પહેલાં એમ જણાવ્યું કે, તે ખૂબ જ સારી અભિનેત્રી છે. એનસીબીના અધિકારીઓએ તેને ધમકાવતા કહ્યું હતું કે, અત્યારે અભિનય બતાવવાની જરૂર નથી. આખરે રિયાએ એનસીબી સમક્ષ ડ્રગ લેતી હોવાનું કબૂલ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter