નવી દિલ્હીઃ બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ સાથે વણાયેલા રહસ્યના તાણાવાણા દૂર કરતાં ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)એ જાહેર કર્યું છે કે આ ફિલ્મ અભિનેતાનું મૃત્યુ હત્યા નહીં, પરંતુ આત્મહત્યા છે. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટનું પુનઃ મૂલ્યાંકન કરનાર ‘એઇમ્સ’ની પેનલનું નેતૃત્વ કરનારા ડો. સુધીર ગુપ્તાએ શનિવારે જણાવ્યું હતું કે, સુશાંતસિંહનું મૃત્યુ આત્મહત્યાનો કેસ છે, તેમાં હત્યાની કોઈ સંભાવના દેખાતી નથી.
‘એઇમ્સ’ના ડોક્ટરોની પેનલે તેનો રિપોર્ટ ૨૯ સપ્ટેમ્બરના રોજ સીબીઆઇને સોંપી દીધો છે. સુશાંતના મૃતદેહ પર ગળે ફાંસો ખાવા સિવાયની અન્ય કોઈ ઈજા નહોતી. તેના શરીર અને કપડાં પર ઝપાઝપી કે સંઘર્ષનાં કોઈ નિશાન નહોતાં. મુંબઇની ફોરેન્સિક લેબોરેટરી અને ‘એઇમ્સ’ની ટોક્સિકોલોજી લેબને પણ તેના શરીરમાંથી શંકાસ્પદ તત્ત્વો મળ્યા નથી. સુશાંતની ગરદન પર થયેલી ઈજાનું નિશાન સતત લટકી રહેવાના કારણે પડયું હતું.
‘એઇમ્સ’ ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, સુશાંતસિંહ અકુદરતી મોત અંગેના અમારા તારણો અંગે અમે સીબીઆઇ સાથે ચર્ચા કરી છે. જે સંજોગોમાં સુશાંતનું મોત થયું છે તેની તપાસમાં કોઈ શંકાસ્પદ કામગીરી સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે સીબીઆઇ તેની તપાસ આત્મહત્યા માટે પ્રેરવા માટેના એંગલ પર કેન્દ્રિત કરશે.
બીજી તરફ સૂત્રો કહે છે કે હજુ આ તપાસમાં તમામ પાસા પર વિચારણા ચાલે છે. આત્મહત્યા સિવાયના અન્ય કોઈ પુરાવા સામે આવશે તો કેસમાં આઇપીસીની ધારા ૩૦૨ અંતર્ગત હત્યાનો આરોપ ઉમેરવામાં આવી શકે છે. જોકે ૧૪મી જૂને સુશાંતના મોત પછી છેલ્લા ૫૭ દિવસથી ચાલી રહેલી તપાસમાં એવો કોઈ પુરાવો સામે આવ્યો નથી કે એક્ટરની હત્યા થઈ છે. હવે ‘એઇમ્સ’ની પેનલનું કામ પૂરું થયું છે. સીબીઆઇની જવાબદારી આ કેસને અંતિમ તથ્ય પર લઈ જવાની છે.