રામપુર: ઉત્તર પ્રદેશના રામપુર વિસ્તારમાં પ્રવાસે ગયેલા કેટલાક વિદ્યાર્થીઓને સેલ્ફી લેવાનું ભારે પડયું. સેલ્ફી લેતી વખતે ૧૨ વિદ્યાર્થી કોસી નદીમાં ડૂબી ગયા. તેમાંથી ૧૦ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે અને બેના મૃત્યુ થયાં છે.
ઘટના ૧૨મી જુલાઈ સાંજની છે. રામપુર સ્થિત લાલપુર કોસી ડેમમાં વિદ્યાર્થીઓનું એક ગ્રુપ પ્રવાસે ગયું હતું. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ મિત્રો સાથે પાણીમાં સેલ્ફી લેવા લાગ્યાં. સેલ્ફી લેવાના ચક્કરમાં અંદાજે ૧૨ જેટલા વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં. વિદ્યાર્થીઓની ચીસ સાંભળીને તરવૈયા કોસી ડેમમાં કૂદી પડયા અને ૧૦ વિદ્યાર્થીઓને બચાવી લીધા, પરંતુ બે વિદ્યાર્થીઓ વધુ ઊંડા પાણીમાં ગર્ત થવાથી તેમનાં મૃત્યુ થયા હતા.
ઘટનાના કલાકો પછી તરવૈયાઓએ ભારે શોધખોળથી વિદ્યાર્થીઓના મૃતદેહો મેળવી શકાયા હતા. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સૈફઅલી ખાન અને ફૈઝીના રૂપમાં થઈ છે. બન્ને વિદ્યાર્થીઓ ૧૦માં ધોરણમાં ભણતા હતા.