નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદઅલી શાહ ગિલાનીએ ૨૯મી જૂને હુરિયત કોન્ફરન્સમાંથી રાજીનામું આપ્યું છે. ગિલાની ઘણા વર્ષોથી હુરિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા હતા. એક ઓડિયો મેસેજ જારી કરીને ગિલાનીએ જણાવ્યું કે સૌને આ સંદેશથી રાજીનામું આપવાના નિર્ણય અંગે બધાને જાણ કરી રહ્યો છું.
ગિલાનીએ એવું પણ જણાવ્યું કે, હુરિયતની પરિસ્થિતિ જોતાં મને રાજીનામું આપવાનું વધારે યોગ્ય લાગે છે. હુરિયતના તમામ લોકોને પત્ર લખીને મેં રાજીનામું આપ્યાની જાણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ૯૦ વર્ષીય ગિલાનીની તબિયત છેલ્લા ઘણા વર્ષોથી સારી રહેતી નથી. તેમની તબિયત અંગેની ઘણી અફવાઓ ઊડી હતી. ગત વર્ષે ગિલાનીનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો જેમાં ગિલાની કહેતા હતા કે, અમે પાકિસ્તાની છીએ અને પાકિસ્તાન અમારું છે. આ વીડિયો ગિલાનીના નામના એક બિનસત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરાયો હતો.