સોનામાં તેજીનો ચમકારોઃ માત્ર એક જ વર્ષમાં ૧૦ ગ્રામે રૂ. ૭ હજારનો ઉછાળો

Saturday 30th May 2020 07:19 EDT
 
 

મુંબઇઃ કોરોના કોહરામ વચ્ચે દેશવિદેશનાં સોનાચાંદી બજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે. કિંમતી ધાતુઓમાં મોટા પાયે ખરીદીને કારણે સોનાંચાંદીનાં ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાનાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦૦૦નો ઉછાળો આવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૦માં સોનાનો ભાવ રૂ. ૪૧૦૦૦ હતો, જે ૧૭મી મેનાં રોજ વધીને રૂ. ૪૭,૮૬૧ થયો હતો. આ મહિનાનાં અંત સુધીમાં સોનાનાં ભાવ વધીને રૂ. ૫૦,૦૦૦ સુધી પહોંચવાની સંભાવના છે.

કેટલાક નવા રેકોર્ડ બન્યા તો કેટલાક રેકોર્ડ તૂટયા પણ ખરા

લોકડાઉનમાં સોનાએ કેટલાક નવા રેકોર્ડ બનાવ્યા હતા તો કેટલાક રેકોર્ડ તૂટયા હતા. સોનું પહેલી વખત ૯ એપ્રિલે રૂ. ૪૫૨૦૧ની નવી ટોચે પહોંચ્યું હતું. જોકે ૪ દિવસ પછી જ આ રેકોર્ડ તૂટયો હતો અને ૧૩ એપ્રિલે સોનાએ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬,૦૩૪ની નવી ઉંચી સપાટી બનાવી હતી.
સોનાની આ ઓલટાઈમ હાઈ સપાટી હતી. જોકે ૧૫ એપ્રિલે નવો રેકોર્ડ પણ તૂટયો હતો અને રૂ. ૪૬,૫૩૪ની નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી. બીજા જ દિવસે એટલે કે ૧૬ એપ્રિલે સોનું રૂ. ૪૬,૯૨૮નાં નવા સ્તરે ગયું હતું. આ પછી સોનામાં થોડી વધઘટ ચાલુ રહી હતી અને ૧૫મી મેનાં રોજ સોનું ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭,૦૬૭ની નવી વિક્રમજનક સપાટીએ ગયું હતું. ૧૭મી મેનાં રોજ સોનાએ વધુ એક નવો કિર્તીમાન સ્થાપ્યો હતો અને રૂ. ૪૭,૮૬૧નાં સ્તરે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.
૨૫ મેથી ૧૪ એપ્રિલ સુધીનાં લોકડાઉનનાં પહેલા તબક્કામાં ૨૪ કેરેટ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૧૦ વધ્યા હતા. ૧૪ એપ્રિલથી ૩ મેનાં બીજા તબક્કામાં સોનાની ચમક ફીકી રહી હતી, સોનું ૧૦ ગ્રામદીઠ ફક્ત રૂ. ૧૨૧ વધ્યું હતું. જોકે ૩ મેથી ૧૭ મે સુધીનાં ત્રીજા તબક્કામાં સોનામાં ઉછાળો આવ્યો હતો. રૂ. ૧૧૫૪નો વધારો જોવા મળ્યો હતો. ૧૮ મેથી ૩૧ મે સુધીનાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં અત્યાર સુધી સોનામાં રૂ. ૭૯૪નો વધારો જોવા
મળ્યો છે. (મંગળવાર - ૨૬ મેના રોજ આ લખાયું ત્યારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૪૬,૭૧૦ હતો)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter