સોનિયા ગાંધી એક્શન મોડમાં, પાંચ પ્રદેશ પ્રમુખો પાસેથી માંગ્યું રાજીનામું

Thursday 17th March 2022 06:23 EDT
 
 

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભામાં હાર બાદ કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પાંચ રાજ્યોના કોંગ્રેસ અધ્યક્ષો પાસેથી રાજીનામા માંગ્યા છે. તેમણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખોને રાજ્ય એકમોના પુનઃ ગઠનને સરળ બનાવવા માટે તેમના રાજીનામા આપી દેવા જણાવ્યું છે.
અહેવાલ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના રાજ્ય એકમોના પ્રમુખોને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર બાદ રાજીનામું આપવા કહ્યું છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે આ જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું, 'કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના રાજ્ય એકમોના પ્રમુખોને રાજીનામું આપવા કહ્યું છે, જેથી કરીને રાજ્ય કોંગ્રેસ સમિતિઓની પુનઃ રચના કરી શકાય.'
રવિવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ સંગઠનાત્મક ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ પદ પર ચાલુ રહે અને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લે.
પ્રિયંકાએ પરાજયની સમીક્ષા કરી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે ચૂંટણી પ્રચાર સાથે સંબંધિત વરિષ્ઠ નેતાઓ સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શનની સમીક્ષા કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રહેલી ખામીઓ અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter