મુંબઈઃ આ મુંબઈના સૌથી અમીર ગણપતિજી છે. ૬૮ કિલો સોના અને ૩૨૮ કિલો ચાંદીથી તેમનો શણગાર કરાયો છે. ઘરેણાંની કિંમત ૧૯ કરોડ રૂપિયા છે, તેથી ૨૬૫ કરોડનો વીમો કરાવાયો છે. ૬૮ સીસીટીવી કેમેરા તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સલામતીમાં ૪૫૦ સુરક્ષાકર્મી ગોઠવાયેલા છે. આ માહિતી જીએસબી સાર્વજનિક ગણોશોત્સવ સમિતિના પ્રવક્તા આર. જી. ભટ્ટે આપી છે. તેમણે જણાવ્યું કે આ મંડળ ૬૬ વર્ષથી સતત અહીં ગણેશોત્સવ ઊજવી રહ્યો છે. તેમના અંદાજ મુજબ આ વખતે ૭૨ હજાર શ્રદ્ધાળુ તેમની પૂજા કરી શકે છે. જ્યારે ૨ લાખથી વધુ દર્શન કરવા આવે છે. ગયા વર્ષે ૬૬ હજાર શ્રદ્ધાળુઓએ પૂજા કરી હતી. બીજી બાજુ તેમની મનોકામના પૂરી કરવા માટે ૮ હજાર શ્રદ્ધાળુઓએ પોતાના વજન જેટલો ચઢાવો ગણપતિને ચઢાવ્યો હતો.