સૌથી ઉદાર ઉદ્યોગપતિઃ શિવ નાદરે વીતેલા વર્ષમાં દરરોજ રૂ. પાંચ કરોડથી વધુ દાન કર્યું

Tuesday 07th November 2023 14:11 EST
 
 

નવી દિલ્હીઃ એચસીએલ ટેક્નોલોજીસના ફાઉન્ડર-ચેરમેન શિવ નાદર ભારતના સૌથી મોટા દાનવીર ઉદ્યોગપતિ તરીકે ઊભરી આવ્યા છે. તેમણે ગત નાણાંવર્ષ (2022-23)માં 2,042 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. મતલબ કે રોજનું સરેરાશ 5.6 કરોડ રૂપિયાનું દાન. આ રકમ શિવ નાદરે નાણાવર્ષ 2021-22માં કરેલા દાનથી 76 ટકા વધારે છે, તે વર્ષે તેમણે પ્રતિદિન સરેરાશ ત્રણ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
એકંદરે 119 ભારતીય બિઝનેસ ટાયકૂન્સે નાણાંવર્ષ 2022-23માં રૂ. 5 કરોડ કે તેથી વધુ રકમના દાન સાથે પરોપકારી પ્રવૃત્તિઓ માટે કુલ રૂ. 8,445 કરોડનું આર્થિક યોગદાન આપ્યું હતું. એડલગીવ હુરુન ઈન્ડિયા ફ્લિાન્થ્રોપી લિસ્ટ 2023 મુજબ, આ રકમ તેમણે નાણાંવર્ષ 2021-22માં જે દાન આપ્યું હતું તેનાથી 59 ટકા વધુ છે. નાદર બાદ બીજા ક્રમે રહેલા વિપ્રોના અઝીમ પ્રેમજીએ નાણાંવર્ષ 2022-23 દરમિયાન રૂ. 1,774 કરોડનું દાન આપ્યું હતું. જે તેમણે નાણાંવર્ષ 2021-22માં આપેલા દાન કરતાં દાન 267 ટકા વધુ હતું.
 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી રૂ. 376 કરોડના દાન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ઝેરોધાના નિખિલ કામથ યાદીમાં સૌથી યુવા પરોપકારી તરીકે ઉભરી આવ્યા છે. આ યાદીમાં 12મા સ્થાને રહેલા કામથ બંધુઓએ નાણાંવર્ષ 2022-23 દરમિયાન 110 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. રોહિણી નીલેકણી ફ્લિાન્થ્રોપીઝનાં રોહિણી નિલેકણી 170 કરોડ રૂપિયાના દાન સાથે આ યાદીમાં 10મા ક્રમે રહ્યા છે. નંદન નિલેકણીના પત્ની રોહિણી ઉદાર મહિલા દાતા તરીકે આગવી નામના ધરાવે છે.
કુલ 14 ભારતીયોએ રૂ. 100 કરોડથી વધુનું દાન કર્યું છે. ગત વર્ષે આવા ભારતીયોની સંખ્યા 8 હતી. ગયા વર્ષે 12ની સરખામણીમાં આ વર્ષે કુલ 24 ભારતીયોએ રૂ. 50 કરોડથી વધુ અને 47 લોકોએ રૂ. 20 કરોડથી વધુ દાન કર્યું હતું.
શિક્ષણ ક્ષેત્ર પાછળ સૌથી વધુ 62 પરોપકારીઓએ 1,547 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું જ્યારે આર્ટ્સ, કલ્ચર અને હેરિટેજ પાછળ રૂ. 1,345 કરોડ અને હેલ્થ કેર પાછળ રૂ. 633 કરોડનું દાન કરવામાં આવ્યું છે.
ટોપ ટેનમાં સામેલ અન્ય દાનવીર ઉદ્યોગપતિઓની યાદી પર નજર ફેરવીએ તો, કુમાર મંગલમ્ બિરલા, ગૌતમ અદાણી, બજાજ પરિવાર, અનિલ અગ્રવાલ, નંદન નીલેકણી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સાયરસ અને અદાર પૂનાવાલાનો સમાવેશ થાય છે. જોકે દેશમાં કુલ દાન પાછલા બે વર્ષની સરખામણીમાં ઓછું રહ્યું છે. નાણાંવર્ષ 2019-20માં કુલ 11,984 કરોડ અને 2020-21માં 14,755 કરોડ રૂપિયાનું દાન થયું હતું.

દેશના ટોપ ટેન દાનવીર ઉદ્યોગપતિ
ઉદ્યોગપતિ - દાનની રકમ (રૂ. કરોડમાં) અને કયા હેતુ માટે દાન?
1 શિવ નાદર ફેમિલી 2,042 આર્ટ્સ, કલ્ચર, હેરિટેજ
2. અઝીમ પ્રેમજી ફેમિલી 1,774 એજ્યુકેશન
3. મુકેશ અંબાણી ફેમિલી 376 હેલ્થકેર
4. કુમાર મંગલમ્ બિરલા ફેમિલી 287 એજ્યુકેશન
5. ગૌતમ અદાણી ફેમિલી 285 એજ્યુકેશન
6. બજાજ ફેમિલી 264 એજ્યુકેશન
7. અનિલ અગ્રવાલ ફેમિલી 241 હેલ્થ કેર
8. નંદન નીલેકણી 189 ઇકોસિસ્ટમ બિલ્ડિંગ
9. સાયરસ અને અદાર પુનાવાલા 179 હેલ્થકેર
10. રોહિણી નીલેકણી 170 ઇકોસિસ્ટમ બિલ્ડિંગ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter