સૌથી નિષ્ફળ ઉમેદવાર: ૧૯૯ વખત લડ્યા અને દરેકમાં હાર્યા

Friday 12th April 2019 06:48 EDT
 
 

ધર્મપુરીઃ દુનિયામાં લોકોએ પોતાના જીવનમાં વિવિધ પ્રકારના લક્ષ્ય નક્કી કર્યા હોય છે. દરેકને જીવનમાં સફળ થવાની ઈચ્છા હોય છે અને તેમાં પણ ચૂંટણીની વાત આવે ત્યારે તો હંમેશા વિજયનો જ વિચાર આવે છે. જોકે તમિલનાડુના સેલમમાં રહેતા પદ્મરાજનનો ગોલ કંઈક અલગ જ છે. ‘ઈલેક્શન કિંગ’ના નામથી ઓળખાતા પદ્મરાજન પોતાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવે તેવું કંઈક કરવા માંગે છે અને એ પણ સૌથી વધારે વખત ચૂંટણી હારનાર ઉમેદવાર તરીકે.
ઈલેક્શન કિંગ પદ્મરાજન અત્યાર સુધીમાં ૧૯૯ વખત ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડી ચૂક્યા છે, જે દરેકમાં તેમનો પરાજય થયો છે. દરેક ચૂંટણીમાં તેઓ સૌથી પહેલા ઉમેદવારી નોંધાવી દેતા હોય છે. આવનારી લોકસભા ચૂંટણીમાં પણ ધર્મપુરી સીટ પરથી તેમણે ૨૦૦મી વખત ઉમેદવારી નોંધાવી છે. બીજી એપ્રિલે તેમણે પુત્ર શ્રીજેશ પદ્મરાજન સાથે કલેક્ટર ઓફિસ પહોંચીને સૌથી પહેલા ફોર્મ ભર્યું હતું.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તેઓ ૨૦૦મી વખત ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આમ કરીને તેઓ લોકોને સંદેશ આપવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચૂંટણી લડી શકે છે. વાત એમ છે કે, થોડા વર્ષ પહેલા પદ્મરાજનના મિત્રો તેને કહેતા હતા કે ફક્ત શક્તિશાળી લોકો જ ચૂંટણી લડી શકે છે. ત્યાર બાદથી તેને નિર્ણય લીધો કે પોતે સાબિત કરીને રહેશે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચૂંટણી લડી શકે છે.
પદ્મરાજન હોમિયોપેથિક ડોક્ટર છે અને ત્યારબાદ હવે તેઓ પોતાનો બિઝનેસ કરવા લાગ્યા છે. તેઓ ૧૯૮૮ની સાલથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. પદ્મરાજન તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને કર્ણાટકથી લઈને દિલ્હી સુધી બધે જ ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. પદ્મરાજન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, એ.પી.જે. અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, અટલ બિહારી વાજપેયી, તમિલનાડુના પૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિ, કેરળના મુખ્ય પ્રધાન કે. કરુણાકરન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ. કે. એંટની વિરુદ્ધ ચૂંટણી લડી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter