સૌનાં મંદિર, પાણી - સ્મશાન એકસમાન હોવાં જોઈએઃ ભાગવત

Thursday 13th October 2022 16:07 EDT
 
 

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા તેના સ્થાપના દિન પ્રસંગે નાગપુરમાં યોજાયેલા દશેરા ઉત્સવ કાર્યક્રમમાં પહેલી વખત મહિલા અતિથિવિશેષને આમંત્રિત કરાયા હતા. આ વખતે સંઘ દ્વારા પર્વતારોહક પદ્મશ્રી સંતોષ યાદવને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા. યાદવ બે વાર માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂક્યાં છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે રહેલા સંતોષ યાદવે કહ્યું હતું કે, હું સમગ્ર વિશ્વના માનવ સમાજને વિનંતી કરવા માગું છું કે તેઓ આવે અને સંઘના કાર્યોને નિહાળે. સંઘના કાર્યો શોભનીય છે, અને પ્રેરિત કરનાર છે.
આ પ્રસંગે સ્વયંસેવકોને સંબોધતાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે એકતાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જાતિના આધારે ભેદ કરવો અધર્મ છે. આ ધર્મના મૂળથી વિપરિત છે. તેમણે કહ્યું હતું કે કોણ ઘોડી ચડી શકે છે અને કોણ નહીં. આવી વાતો સમાજમાંથી વિદાય થવી જોઈએ. સમાજમાં બધા માટે મંદિર, પાણી અને સ્મશાન એક હોવા જોઈએ. તેમણે કહ્યું હતું કે સ્વયંસેવક તેના માટે પ્રયાસ કરે તો સામાજિક વિષમતાઓ દૂર કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે શક્તિ જ શુભ છે અને શાંતિનો આધાર છે. આપણે મહિલાઓને જગતજનની માનીએ છીએ, પરંતુ તેમને પૂજાઘરોમાં બંધ કરી દઈએ છીએ. આપણે માતૃશક્તિ જાગરણનું કામ પોતાના પરિવારથી જ શરૂ કરવાનું રહેશે.
સંઘ પ્રમુખે કહ્યું હતું કે દેશમાં વસતીનું યોગ્ય સંતુલન જરૂરી છે. આપણે ધ્યાન રાખવું પડશે કે આપણા દેશનું પર્યાવરણ કેટલા લોકોને ખવડાવી શકે છે, કેટલા લોકો સહી શકે છે. આ માત્ર દેશનો પ્રશ્ન નથી. જન્મ આપનારી માતાનો પણ સવાલ છે. તેમણે કહ્યું હતું કે વસતીની એક સમગ્ર નીતિ ઘડાવી જોઈએ, જે બધાને લાગુ પડે. તે નીતિથી કોઈને પણ છૂટ ન મળવી જોઈએ. ભાગવતે કહ્યું હતું કે જ્યારે જ્યારે કોઈ દેશમાં વસતીકીય અસંતુલન હોય છે ત્યારે ત્યારે દેશની ભૌગોલિક સરહદોમાં પરિવર્તન આવે છે. એક ભૂભાગમાં વસતીમાં સંતુલન બગડવાનું જ પરિણામ છે કે ઈન્ડોનેશિયાથી ઈસ્ટ તિમોર, સુદાનથી દક્ષિણ સુદાન અને સર્બિયાથી કોસોના નામના નવા દેશ બની ગયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter