સૌને આશા હતી કે ભગવાન છેલ્લી ઘડીએ સૌને બચાવશે અને મોક્ષનો માર્ગ બતાવશે

Wednesday 11th July 2018 09:31 EDT
 
 

નવી દિલ્હી: દિલ્હીના બુરાડીમાં સંતનગરમાં એક ઘરમાં પહેલી જુલાઈએ સવારે સાત મહિલાઓ સહિત ૧૧ મૃતદેહો મળ્યા હતા. ૧૦ જણાએ દોરડાથી લટકીને ફાંસી ખાધી હતી, તેમની આંખ અને મોઢા પર ટેપ ચોંટેલી હતી અને ૭૫ વર્ષની વૃદ્ધનો મૃતદેહ પહેલા માળેથી મળ્યો હતો. આ ઘટનામાં તાંત્રિકની સલાહથી પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે તો બીજી તરફ ચર્ચા છે કે પરિવારનો દીકરો તેના મૃત પિતા સાથે વાત કરતો હતો અને છેલ્લી ઘડીએ ભગવાન બચાવશે જેવી અંધશ્રદ્ધાથી પ્રેરાઈ પરિવારે મોતને વહાલું કર્યું હતું.
સંયુક્ત પરિવાર
૧૧ લોકોના પરિવારમાં ૭૫ વર્ષના વૃદ્ધ માતા અને તેમના બે દીકરા લલિત અને ભૂપીનો પરિવાર સામેલ હતો. મૃતકોમાં મહિલાનો મોટો દીકરો લલિત તેમની પત્ની અને ત્રણ બાળકો હતા. વૃદ્ધ મહિલાના નાના દીકરા ભૂપી, તેની પત્ની, બે બાળકો હતા. વૃદ્ધ મહિલાની ૫૮ વર્ષની વિધવા દીકરી પણ તેમની સાથે રહેતી હતી. તેનું પણ શબ મળ્યું છે. આ ઘટનામાં વૃદ્ધ મહિલાનું ગળું દબાવી હત્યા કરાઇ હોવાની શંકા છે. બાકીના સભ્યોની લાશ મકાનના ફર્સ્ટ ફલોર પર દોરડાથી બાંધેલી મળી હતી. વૃદ્ધાનો ત્રીજો દીકરો દિનેશ સિવિલ કોન્ટ્રાક્ટર છે અને ચિત્તોડગઢમાં રહે છે. ઘટના સમયે પણ દિનેશ ચિત્તોડગઢમાં હતો અને વૃદ્ધાનો એક દીકરો દૂધ અને પ્લાયવુડની દુકાન ચલાવતો હતો જ્યારે બીજો દીકરો કરિયાણાની દુકાન ચલાવતો હતો.
મોક્ષ માટે લટક્યા?
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પરિવારના સભ્યો મોત માટે નહીં પણ મોક્ષ માટે લટક્યા હતા. સૌને એવી આશા હતી કે છેલ્લી ક્ષણે ભગવાન આવીને સૌને બચાવશે અને મોક્ષનો માર્ગ બતાવશે. સૌને કહેવાયું હતું કે વડની પૂજા કરો તો મોક્ષ મળશે. વડની વડવાઈની જેમ લટકો તો મોત પાસે નહીં આવે. ચર્ચા છે કે પરિવારનાં પુત્ર લલિતે જ પરિવારના ૧૧ સભ્યોને શૂળી પર લટકાવ્યા હતા.
મહિલા તાંત્રિકની ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચે ભાટિયા પરિવાર સાથે જોડાયેલી એક તાંત્રિક ગીતા માતાની ધરપકડ કરી છે કે જેની સાથે હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ગીતા લાંબા સમયથી સંપૂર્ણ રીતે તંત્ર-મંત્રથી જોડાયેલી છે અને મૃત્યુ પામનારા ૧૧ લોકોમાંથી એક લલિતને તે જાણતી હતી. જોકે પૂછપરછ બાદ ગીતા માતાએ આ મામલામાં કોઇ ભૂમિકાનો ઇન્કાર કર્યો છે.
પિતા સબ કો બચાયેંગે
આ કેસમાં દાઢીવાળા માણસની રહસ્યમય એન્ટ્રી પણ થઈ છે. પડોશીઓનું કહેવું હતું કે એક દાઢીવાળો માણસ વારંવાર તેમના ઘરે આવતો હતો. તેણે પરિવારના લોકોનું બ્રેઇન વોશ કરીને સૌને મોક્ષ પ્રાપ્તિનાં માર્ગે લઈ જવા પ્રેરણા આપી હોવાની શંકા છે. ઘરમાંથી મળેલી ડાયરીમાં એક પાના પર લખ્યું હતું કે ‘લલિત કી ચિંતા મત કરો. મેં આતા હું તબ વો થોડા પરેશાન હો જાતા હૈ.’ બીજા પાના પર લખ્યું હતું કે ‘મેં કલ યા પરસોં આઉગા. નહીં આ પાયા તો બાદમેં આઉંગા. લલિત કી મા નારાયણી કા ખ્યાલ રખના...’ એક પાના પર લખ્યું હતું કે ‘પિતા સબ કો બચાને કે લિએ આયેંગે’ છેલ્લી નોંધમાં લખ્યું હતું કે ‘મા સબ કો રોટી ખિલાયેંગી.’ આ બધા લલિતનાં પિતાનાં શબ્દો હોવાનું અને લલિત સાથેની વાતચીત પછી લખાયા હોવાનું મનાય છે. આત્મહત્યા કરતા પહેલાં પરિવારે નજીકની હોટેલમાંથી ૨૦ રોટલી મગાવી હતી અને રાત્રે ૧૦.૪૦ કલાકે ખાધી હતી.
લલિત મૃત પિતા સાથે વાત કરતો!
લલિત તેના મૃતક પિતા ગોપાલ ભાટિયા સાથે વાતચીત કરતો હતો અને માનસિક રોગથી પીડાતો હોવાનું જાણવા મળ્યું હતું. તે વારંવાર તેના પિતાને જોતો હતો અને તેમની સલાહ સૂચના મેળવતો હતો. તેના પિતાનું ૧૦ વર્ષ પહેલાં મોત થયું હતું. ૧૧ લોકોનાં રહસ્યમય મોતમાં તેણે પિતાની સૂચનાનું પાલન કર્યું હોવાનું મનાય છે. મૃત પિતાની સલાહ સૂચન મુજબ તે જમીન અને મકાનનાં સોદા કરતો હતો. પરિવારના લોકો તેનામાં અદ્ભુત શક્તિ હોવાનું માનતા હતા અને તેના કહ્યા મુજબ પૂજાપાઠ કરતા હતા. પિતાની સૂચના મુજબ તેણે રજિસ્ટરમાં મોતની સ્ટોરી લખી હતી. કોણે ક્યાં અને કેવી રીતે લટકવું તેની વિગતો તેણે પિતાનાં કહ્યા મુજબ રજિસ્ટરમાં નોંધી હતી. મૃત્યુનાં કોઈ કારણો ન મળતા મનાય છે કે આ કલ્ટ સ્યૂસાઈડનો કેસ હોઈ શકે. બીજી ધારણા એવી છે કે લલિત કે અન્ય કોઈ માનસિક બીમાર હોવું જોઈએ જેના કહેવાથી પરિવાર લટકી ગયો હોઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter