સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ

Wednesday 18th August 2021 06:45 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે દેશવાસીઓને હાકલ કરી હતી કે, દેશને વિકાસપથ ઉપર આગળ ધપાવવા માટે ભારતીયોએ સંયુક્ત રીતે પ્રયાસ કરવા પડશે. તેમણે લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી લોકોને આહ્વાન કર્યું હતું કે, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ વગર દેશનો વિકાસ શક્ય નથી.
દેશની આઝાદીના ૭૫ વર્ષ થયા છે ત્યારે હવે ૧૦૦ વર્ષની ઉજવણીની દિશામાં આગળ વધવાનું છે. વડા પ્રધાને ૭૫મા વર્ષના આરંભે લાલ કિલ્લા ઉપરથી આઝાદ ભારતના નેહરુ સહિતના ઘડવૈયાઓને અંજલિ આપતાં કહ્યું હતું કે એમના સામૂહિક પ્રયાસ અને કલ્પનાશક્તિથી જ આજે ભારતમાં ઈઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ડુબિંગ બિઝનેસ શક્ય બન્યાં છે. ત્યારપછી આઝાદીના ૧૦૦ વર્ષ પછીના ભારતની પરિકલ્પના રજૂ કરતાં જણાવ્યું કે આઝાદીના ૧૦૦ વર્ષ પછી લોકોના રોજબરોજના જીવનમાં સરકારનો હસ્તક્ષેપ નહિવત્ હશે.
જોકે આપત્તિના સમયે સરકારી મદદ ભરપૂર મળી રહેશે. હાઈડ્રોજન મિશનના પરિણામે ઊર્જામાં ભારત સ્વાયત્ત બની ગયું હશે. ઉત્પાદન ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે, માળખાગત વિકાસ ક્ષેત્રે અને સ્ટાર્ટ-અપ્સ ક્ષેત્રે જબરજસ્ત વિકાસ થયો હશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત દરેક પડકારને જડબાતોડ જવાબ આપશે. ત્રાસવાદ અને વિસ્તારવાદ સામેની લડતમાં ભારત સતત અગ્રેસર રહેશે અને તે માટે સશસ્ત્રદળોને મજબૂત બનાવવામાં આવ્યા હશે.

છ યોજનાનો વિશેષ ઉલ્લેખ
• ગતિશક્તિ યોજનાઃ આગામી ૨૫ વર્ષના વિકાસ માટે છ મહત્ત્વના મુદ્દાઓ વિશે વડા પ્રધાને જણાવ્યું હતું કે આધુનિક માળખાના વિકાસ સાથે સર્વાંગી અને પરસ્પર સંકળાયેલા માળખાનું બાંધકામ કરવામાં આવશે. તે માટે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો ગતિશક્તિનો રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લોન્ચ કરવામાં આવશે. તે રાષ્ટ્રીય માળખાગત વિકાસને સમતોલ બનાવશે. જેથી તમામ અડચણોનું નિવારણ થઈ શકે. તેથી ઉત્પાદન અને ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે.
• વંદે ભારત ટ્રેનઃ ભારતના દરેક ખૂણાને સાંકળી લેતું રેલવે તંત્ર સર્જન થઈ શકે તે માટે માળખાગત વિકાસને ગતિમાન બનાવાશે. આઝાદીના અમૃત મહોત્સવની યાદગીરી માટે ૭૫ નવી વંદે ભારત ટ્રેન્સનો આરંભ કરવામાં આવશે. દેશના દરેક વિસ્તારમાં ઝડપથી એરપોર્ટ સ્થાપી શકાય તે માટે ઉડાન યોજના લોન્ચ કરવામાં આવશે.
• ફોર્ટીફાઈડ ચોખાઃ દેશના ગરીબમાં ગરીબ નાગરિકને પૂરતું પોષણ મળી રહે તે માટે અને કુપોષણની નાબૂદી માટે સરકાર વિવિધ યોજનાઓ હેઠળ પોણક્ષમ (ફોર્ટીફાઈડ) ચોખાનું વિતરણ કરશે. આ ચોખા રેશનની દુકાનોએ અને મધ્યાહન ભોજન યોજનાઓમાં આપવામાં આવશે.
• સૈનિક સ્કૂલોમાં કન્યા શિક્ષણઃ દેશની લાખ્ખો બાળકીઓ સૈનિક સ્કૂલોમાં શિક્ષણ મેળવવાની માગ કરતી હોવાનું જણાવી વડા પ્રધાને જાહેર કર્યું કે મિઝોરમમાં છોકરીઓને સૈનિક સ્કૂલોમાં ભણાવવાનો અઢી વર્ષનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થઈ ગયો હોવાથી હવે તમામ સૈનિક સ્કૂલોના દરવાજા બાળકીઓ માટે ખોલવામાં આવશે. દેશની દીકરીઓ પણ સૈનિક સ્કૂલોમાં અભ્યાસ કરી શકશે.
• રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશનઃ વડા પ્રધાને જણાવ્યું કે ગ્રીન હાઈડ્રોજન આખા જગતનું ભવિષ્ય છે. એવામાં ભારતને ગ્રીન હાઈડ્રોજનનું ગ્લોબલ હબ બનાવવા હાઈડ્રોજનના ઉત્પાદન અને નિકાસ માટે અમૃતકાળ યોજના લોન્ચ કરાશે. તેથી ભારત ઊર્જા ક્ષેત્રે સ્વાયત્ત બનવાની સાથે આખા જગતને ક્લીન ઊર્જાનું પ્રેરણાસ્ત્રોત બની શકશે.
• મહિલાઓ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મઃ દેશના ગ્રામ્ય વિસ્તારની ૮ કરોડ મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં સંકળાયેલી છે. તેઓ ટોપએન્ડ ડિઝાઈનની પ્રોડક્ટ્સ બનાવે છે. તેમને મદદરૃપ થવા સરકાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે જેથી આ મહિલાઓને દેશ-વિદેશમાં વિશાળ બજાર મળી રહે. ત્યારપછી વર્તમાનની વાત કરતાં વડા પ્રધાને કહ્યું કે કોરોના પેન્ડેમિક ખૂબ જબરજસ્ત પડકાર હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter