સ્ટારબક્સના નવનિયુક્ત સીઇઓ નરસિમ્હન્ ગ્રાહકોને કોફી સર્વ કરશે

Sunday 02nd April 2023 08:06 EDT
 
 

અમદાવાદઃ સ્ટારબક્સના નવા ભારતવંશી સીઇઓ લક્ષ્મણ નરસિમ્હન્ મહિનામાં એક વખત કંપનીના સ્ટોર્સમાં ગ્રાહકોને કોફી સર્વ કરશે. તેમણે જણાવ્યું હતું કે, કંપનીનું કલ્ચર, ગ્રાહકો, વિવિધ પડકારો અને તકોથી માહિતગાર રહેવા માટે તેમણે આ નિર્ણય લીધો છે. નરસિમ્હન્ (55 વર્ષ) સોમવારે સત્તાવાર રીતે સ્ટારબક્સના સીઇઓ બન્યા હતા. તેમણે નિર્ધારિત મુદત કરતાં બે સપ્તાહ પહેલાં હાવર્ડ શુલ્ટ્ઝ પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો. તેમનું સ્વાગત સિએટલના ‘પાઇક પ્લેસ’ માર્કેટ સ્ટોર ખાતે કરાયું હતું, આ એ સ્થળ છે જ્યાંથી કંપનીની શરૂઆત થઈ હતી. કર્મચારીઓને લખેલા પત્રમાં ભારતીય-અમેરિકન સીઇઓએ જણાવ્યું હતું કે, તે હંમેશા કંપનીના ભાગીદારો અને કલ્ચરના હિમાયતી રહેશે. તેમણે કહ્યું હતું કે, ‘તમારી સાથે મેં બિઝનેસના દરેક પાસાનો અનુભવ કર્યો છે. ખાસ કરીને ગ્રીન એપ્રન પહેરવાનો અર્થ શું છે એ મને સમજાયું હતું. તમે આપણા સ્ટોર્સમાં મારું સ્વાગત કર્યું અને કોફી સર્વ કેવી રીતે કરવી તે શીખવ્યું. આ તમામ બાબતોને લીધે મને કામના તમામ પાસાં, પડકારો અને તકોની ઊંડાણપૂર્વક સમજ પડી.’
કોફી બારમાં કામ કરતી વ્યક્તિ ‘બરિસ્તા’ તરીકે ઓળખાય છે. નરસિમ્હને મહિનામાં એક વખતે કંપનીના સ્ટોર્સમાં ‘બરિસ્તા’ તરીકે કામ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘કંપનીની સંસ્કૃતિ અને અમારા ગ્રાહકોથી નજીક રહી શકાય તેમજ પડકારો અને તકોને સમજવા હું દર મહિને અડધો દિવસ સ્ટોર્સમાં કામ કરવા ઇચ્છું છું.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘કંપનીના પાર્ટનર્સના દૃષ્ટિકોણને સમજવો મારા માટે ઘણો મહત્વનો છે. મને અનુભવથી ઘણી બાબતો શીખવા મળી છે.’
પૂણેમાં જન્મેલા નરસિમ્હન્ ઓક્ટોબરમાં વચગાળાના સીઇઓ તરીકે સ્ટારબક્સમાં જોડાયા હતા. ત્યારથી તેમણે કંપનીને સમજવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ‘બરિસ્તા’ સર્ટિફિકેટ મેળવવાનો પણ સમાવેશ થાય છે. તેના માટે સ્ટોર્સમાં 40 કલાકની ટ્રેનિંગ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટારબક્સે ટ્રેનિંગ અને ઇક્વિપમેન્ટ્સમાં સુધારો કરવા તેમજ વેતનવૃદ્ધિ અને યુનિયન સિવાયના કર્મચારીઓને અન્ય લાભ આપવા માટે એક અબજ ડોલરનું રોકાણ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter