નવી દિલ્હીઃ દેશની અવકાશ એજન્સી ઇસરોએ ગુરુવારે વધુ એક સિદ્ધિ હાંસલ કરીને અવકાશમાં સફળતાપૂર્વક સ્પેસ ડોકિંગ કર્યું છે. સ્પેસ ડોકિંગ એક્સપરિમેન્ટ (SpaDeX) મિશનના ભાગરૂપે ઇસરોએ અવકાશમાં બે ઉપગ્રહોને સફળતાપૂર્વક જોડ્યા હતાં અને સિંગલ ઓબ્જેક્ટ તરીકે તેનો અંકુશ મેળવ્યો હતો. આની સાથે સફળતાપૂર્વ સ્પેસ ડોકિંગ હાંસલ કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વનું ચોથું રાષ્ટ્ર બન્યું છે. ઇસરોએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે સ્વદેશી ધોરણે વિકસિત ભારતીય ડોકિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો.
ઇસરોએ ‘એક્સ’ પરની પોસ્ટમાં જણાવ્યું હતુંઃ ગુડ મોર્નિંગ ઇન્ડિયા ઇસરોના SpaDeX મિશનએ ઐતિહાસિક ડોકિંગ સફળતા હાંસલ કરી છે. આ ક્ષણના સાક્ષી બનવા માટે ગર્વ છે. ડોકિંગ પછી સિંગલ ઓબ્જેક્ટ તરીકે બે ઉપગ્રહોનું સફળતાપૂર્વક નિયંત્રણ હાંસલ કરાયું હતું. આગામી દિવસોમાં અનડોકિંગ અને પાવર ટ્રાન્સફરનો પ્રયોગ કરાશે.
સ્પેસ ડોકિંગમાં સફળતાને સાથે ચંદ્રયાન-4, ગગનયાન અને ભારતીય સ્પેસ સ્ટેશન જેવા મહત્ત્વકાંક્ષી ભાવિ મિશનનો માર્ગ મોકળો થયો છે. ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રની માટીના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. ગગનયાન મિશનમાં મનુષ્યને અવકાશમાં મોકલવામાં આવશે.
ઇસરોએ 30 ડિસેમ્બરે 2024ના રોજ સ્પેડેક્સ મિશનના ભાગરૂપે એકસાથે બે સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા અને ગયા ગુરુવારે આ બંને ઉપગ્રહોને જોડવામાં આવ્યા હતાં.
ઇસરોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને સ્પેસ ડોકિંગ પ્રયોગ (SpaDeX) હાથ ધર્યો હતો. ભ્રમણકક્ષામાં જટિલ હિલચાલ પછી ઇસરોના બે ઉપગ્રહો ટાર્ગેટ અને ચેઝર બંને સફળતાપૂર્વક એકબીજા સાથે જોડાયા હતા અને પછી વિખુટા પડ્યા હતા. આ બંને ઉપગ્રહ દરેક લગભગ મોટા રેફ્રિજરેટરના કદના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ‘એક્સ’ પર એક પોસ્ટ કરીને ઇસરો અને સમગ્ર અવકાશ સમુદાયના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતાં.


