સ્વચ્છતા સર્વેઃ ઈન્દોર સતત છઠ્ઠી વખત સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા ક્રમે

Wednesday 05th October 2022 04:27 EDT
 
 

નવી દિલ્હી: સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શનિવારે સ્વચ્છતા રેન્કિંગની જાહેરાત કરાઈ છે. દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ઈન્દોર સતત છઠ્ઠા વર્ષે પહેલા સ્થાને આવ્યું છે જ્યારે સુરત બીજા ક્રમે છે. જ્યારે અમદાવાદે સતત ચોથા વર્ષે દેશના સૌથી સ્વચ્છ મેગાસિટીનો પહેલો ક્રમ જાળવી રાખ્યો છે. રાજ્યોના સંદર્ભમાં મધ્ય પ્રદેશ પહેલા ક્રમે છે. નાના રાજ્યોમાં પહેલો ક્રમ ત્રિપુરાએ મેળવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિજેતા શહેરોને અભિનંદન આપતા સ્વચ્છતા માટે ઈન્દોર મોડેલ દેશમાં લાગુ કરવા ભાર મૂક્યો હતો.
દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની હાજરીમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના કેન્દ્રીય મંત્રી હરદીપસિંગ પુરીએ સ્વચ્છતા સર્વેક્ષણ 2022ના વિજેતાઓની જાહેરાત કરી હતી. હવે સ્વચ્છતા મિશન હેઠળ કચરા મુક્ત શહેરનું લક્ષ્ય રખાયું છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સર્વેક્ષણમાં મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર સતત છઠ્ઠી વખત ભારતના સૌથી સ્વચ્છ શહેર બન્યું છે જ્યારે ગુજરાતનું સુરત શહેર બીજા ક્રમે અને નવી મુંબઈ ત્રીજા ક્રમે છે. એક લાખથી વધુ વસતીવાળા શહેરોની આ શ્રેણીના ટોપ-10 શહેરોમાં વિશાખાપટ્ટનમ, વિજયવાડા, ભોપાલ, તિરુપતિ, મૈસૂર, નવી દિલ્હી અને અંબિકાપુરનો સમાવેશ થાય છે. આ સેગ્મેન્ટમાં 100 શહેરોની યાદીમાં આગરા સૌથી છેલ્લા ક્રમે છે.
રાજ્યોમાં મધ્ય પ્રદેશ મોખરે
'સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2022'માં સર્વેશ્રેષ્ઠ દેખાવ કરનારા રાજ્યોની શ્રેણીમાં મધ્ય પ્રદેશે પહેલું સ્થાન મેળવ્યું છે. ત્યાર પછી છત્તીસગઢ અને મહારાષ્ટ્ર અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. આ વર્ષે મોટા શહેરોની શ્રેણીમાં ઈન્દોર અને સુરતે તેમના ક્રમ જાળવી રાખ્યા હતા જ્યારે વિજયવાડાને હટાવીને નવી મુંબઈએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો.
સ્વચ્છ સર્વેક્ષણની મેગાસિટીની કેટેગરીમાં સતત ચોથા વર્ષે અમદાવાદ પહેલાં ક્રમે આવ્યું છે. દેશમાંથી લગભગ 4,575 શહેરોમાં 40 લાખથી વધુ વસતીવાળા શહેરોની યાદીમાં અમદાવાદે મેદાન માર્યું છે. આ સર્વેક્ષણોમાં અમદાવાદે વર્ષ 2016 અને 2017માં 14મો જ્યારે 2018માં 12મો ક્રમ મેળવ્યો હતો.
સર્વેક્ષણના પરિણામો મુજબ 100થી ઓછા શહેરી સ્થાનિક એકમોવાળા રાજ્યોમાં ત્રિપુરાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. એ જ રીતે એક લાખથી ઓછી વસતીવાળા શહેરોની શ્રેણીમાં મહારાષ્ટ્રનું પંચગની પહેલા સ્થાને રહ્યું છે. ત્યાર પછી છત્તિસગઢનું પાટન (એનપી) અને મહારાષ્ટ્રનું કરહડ બીજા અને ત્રીજા ક્રમે છે. ગંગાના કિનારે વસેલા શહેરોની શ્રેણીમાં હરિદ્વાર સૌથી સ્વચ્છ શહેર રહ્યું. આ કેટેગરીમાં વારાણસી બીજા અને ઋષિકેશ ત્રીજા ક્રમે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન હેઠળ 2016માં પહેલી વખત દેશના 400થી વધુ શહેરોને કચરાના વ્યવસ્થાપન અને શૌચાલયોની સુવિધા પૂરી પાડવાના લક્ષ્ય સાથે સ્વચ્છતાના ધોરણો પર ક્રમાંક આપવા 'સ્વચ્છ' સર્વેક્ષણ શરૂ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter