સ્વતંત્રતાની લડાઈમાં કોંગ્રેસનું મહત્ત્વનું યોગદાનઃ મોહન ભાગવત

Wednesday 19th September 2018 07:14 EDT
 
 

નવીદિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ત્રિદિવસીય મંથન શિબિરનો સોમવારથી દિલ્હીમાં પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં દેશભરની જાણીતી વ્યક્તિઓ પહોંચી હતી. ‘ભવિષ્યનું ભારત: આરએસએસના દૃષ્ટિકોણ’ના હેતુ સાથે યોજાયેલી ત્રિદિવસીય શિબિરમાં વિવિધ મુદ્દે ભારતનિર્માણની રૂપરેખા રજૂ કરવાની અગાઉ જાહેરાત સાથે સંઘે રાષ્ટ્રના વિવિધ મહાનુભવોને શિબિરમાં નિમંત્રિત કર્યાં હતા. સોમવારે યોજાયેલા કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસે દેશને ઘણા મોટા નેતાઓની ભેટ આપી છે.
ભાગવતે એવું પણ કહ્યું હતું કે, સંઘના કાર્યકર્તાઓને પ્રસિદ્ધિની જરૂર નથી. તેઓ આ બાબતે ધ્યાન આપ્યા વગર જ ચૂપચાપ પોતાનું કામ કરતા હોય છે. ઘણા માધ્યમો દ્વારા તેમના આ કામની પબ્લિસિટી કરવામાં આવતી હોય છે. ઘણી વખત લોકો દ્વારા તેમની કામગીરીની ટીકા પણ કરવામાં આવે છે.
સંઘના વિચારોની વહેંચણી
સંઘવડાએ જણાવ્યું કે, સંપૂર્ણ હિંદુ સમાજને સંગઠિત કરવા સંઘની સ્થાપના કરાઈ હતી. સૌથી મોટી સમસ્યા અહીંનો હિંદુ છે. હિંદુઓને સંગઠિત કરવા પડશે. આપણાં પતનથી જ આપણા દેશનાં પતનની શરૂઆત થશે. હિંદુસ્તાન હિંદુ રાષ્ટ્ર છે અને તેની જાહેરાત હેડગેવારે કરી હતી. હું અહીં લોકોને જોડવા માટે આવ્યો છું, પણ તેમના પર કંઈ થોપી બેસાડવા નહીં. સંઘના વિચારોને લોકો સાથે વહેંચવા માટે હું અહીં આવ્યો છું.

સંઘ ત્રિરંગાનું માન રાખતો રહેશે
ભાગવતે વધુ જણાવ્યું કે, સંઘ કાયમ ત્રિરંગાનું માન રાખતો આવ્યો છે અને રાખતો રહેશે. સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી તમામ નિશાનીઓ પ્રત્યે દરેક સ્વયંસેવકને માન છે. તેઓ દિલથી તેની સાથે જોડાયેલા છે. અમે ત્રિરંગાને માન આપીએ છીએ, પણ ભગવો ધ્વજ અમારો ગુરુ છે. દર વર્ષે આ જ ધ્વજની સાક્ષીએ અમે ગુરુદક્ષિણાનો કાર્યક્રમ આયોજિત કરીએ છીએ. અમે આ દેશમાં સંઘનું પ્રભુત્વ વધે તેવી આશા સાથે કામ કરતા નથી.
સાચા હોઈશું તો લોકો જાતે જોડાશે
ભાગવતે જણાવ્યું હતું કે, સંઘ સૌથી મોટું લોકશાહી સંગઠન છે. સંઘમાં લોકશાહીનું શિસ્તબદ્ધ રીતે પાલન કરાવવામાં આવે છે. સંઘની કાર્યપદ્ધતિ અલગ છે. અમારી વિચારધારા સાથે સહમત થવા માટે અમે લોકો ઉપર દબાણ કરતા નથી. અમે માત્ર અમારી વાત રજૂ કરીએ છીએ. અમારી વાત સાચી હશે તો લોકો આપોઆપ અમારી સાથે જોડાશે. આપણે વિવિધતા મુદ્દે ભેદભાવ કરવાને બદલે દેશની વિવિધતાને ઊજવવી જોઈએ. ડો. હેડગેવારે કહ્યું હતું કે, લોકોની વચ્ચે રહીને જ લોકોની સાચી સેવા કરી શકાય છે. સંઘ આ જ વિચારને આધીન રહીને કામ કરે છે.
સંઘને સમજવા ડો. હેડગેવારને સમજવા પડે
ભાગવતે સંઘ વિશે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતા જણાવ્યું કે, તમારે સંઘને સમજવો હશે તો તમારે પહેલાં ડો. હેડગેવારને સમજવા પડશે. તેમણે બીજનાં સ્વરૂપમાં સંઘનાં વૃક્ષનો વિકાસ કર્યો છે. બાળપણથી જ ડો. હેડગેવારમાં સ્વતંત્રતાની આકાંક્ષા હતી. રાજસ્થાનથી આંધ્ર સુધી ક્રાંતિકારીઓને સંગઠિત કરવાનું કામ ડો. હેડગેવારે કર્યું હતું. તેઓ બર્મામાં મળેલી ડોક્ટરની નોકરી છોડીને દેશસેવામાં જોડાઈ ગયા હતા. તેમણે આજીવન બ્રહ્મચારી રહીને દેશસેવાનો નિર્ણય કર્યો હતો. અસહયોગનાં આંદોલન દરમિયાન તેઓ જેલમાં પણ ગયા હતા. તેમની સામે દેશદ્રોહનો ગુનો નોંધાયો હતો. તેમણે આ આરોપને પડકારતાં સવાલ કર્યો હતો કે, કયા કાયદા હેઠળ બ્રિટનને ભારત ઉપર શાસન કરવાનો અધિકાર મળ્યો છે. તેઓ આ મુદ્દે એક વર્ષ જેલમાં પણ રહ્યા હતા.
નેતા-અભિનેતાઓની ભીડ
સંઘના કાર્યક્રમમાં નેતા-અભિનેતાઓની ભારે ભીડ જોવા મળી હતી. પી. પી. ચૌધરી, રામ માધવ, નરેન્દ્ર જાધવ, અમરસિંહ અને એ. સૂર્યપ્રકાશ જેવા નેતાઓ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. બીજી તરફ બોલિવૂડમાંથી નવાઝુદ્દીન સિદ્દીકી, મધુર ભંડારકર, અનુ મલિક, અન્નુ કપૂર, મનીષા કોઈરાલા, ભાગ્યશ્રી જેવા જાણીતા ચહેરા પણ હાજર રહ્યા હતા. સંઘના આ કાર્યક્રમમાં ૬૦થી વધારે દેશોના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન કરવામાં આવતું હોવાથી સંઘે તેને આમંત્રણ મોકલ્યું નથી. બીજી તરફ ભારત અને ચીન વચ્ચે ઘણી સાંસ્કૃતિક સમાનતા હોવાથી ચીની નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. સંઘ દ્વારા વિપક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જોકે આ નેતાઓ દ્વારા સંઘના કાર્યક્રમથી અંતર જાળવવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter