જોધપુર: ભારતીય વાયુસેનાની જરૂરતને ધ્યાનમાં રાખીને દેશમાં જ વિકસાવાયેલા સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH)ને સોમવારે ઔપચારિક રીતે તેના કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટર રડારની ચાંપતી નજરમાંથી પણ છટકી જવા સક્ષમ છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની હાજરીમાં સ્વદેશી હેલિકોપ્ટર વાયુસેનામાં જોડાયું છે. અગાઉ રક્ષામંત્રી અને એર ફોર્સના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી. આ હેલિકોપ્ટરને ‘પ્રચંડ’ નામ અપાયું છે.
લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરને વાયુસેનામાં સામેલ કરવાથી વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થશે કારણ કે આ મલ્ટિફંક્શનલ હેલિકોપ્ટર વિવિધ પ્રકારની મિસાઇલો ફાયર કરવામાં અને હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. એલસીએચને સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને ઊંચાઈ વાળા વિસ્તારોમાં તેનાત કરવા માટે વિશેષ રીતે બનાવવામાં આવ્યું છે. રક્ષામંત્રીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે નવા હેલિકોપ્ટરને સામેલ કરવાથી ભારતીય વાયુસેનાની લડાયક કુશળતામાં વધારો થશે.
આ હેલિકોપ્ટરની સ્પીડ 270 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની લંબાઈ 51.1 ફૂટ અને ઊંચાઈ 15.5 ફૂટ છે. એલસીએચ પર ફાયરિંગની કોઈ નોંધપાત્ર અસર થઈ શકતી નથી. તેની રેન્જ 50 કિમી છે અને તે 16,400 ફૂટની ઊંચાઈથી હુમલો કરી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે LCH અને ‘એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર’ ધ્રુવ વચ્ચે ઘણી સમાનતાઓ છે. તેમણે કહ્યું હતું કે તેમાં ઘણી વિશેષતાઓ છે જેમાં ‘સ્ટીલ્થ’ (રડારથી બચી જવાની) ક્ષમતા તેમજ બખ્તરબંધ સુરક્ષા પ્રણાલીથી સજ્જ અને નાઇટ એટેક ઉપરાંત કટોકટીના કિસ્સામાં સુરક્ષિત ઉતરાણનો ની ક્ષમતાનો સમાવેશ થાય છે.


