સ્વપ્નદૃષ્ટા અનંતની યાત્રાએઃ ડો. કલામનું નિધન

જન્મઃ ૧૫ ઓક્ટોબર, ૧૯૩૧ • નિધનઃ ૨૭ જુલાઈ, ૨૦૧૫

Tuesday 28th July 2015 14:22 EDT
 
 

નવી દિલ્હીઃ ‘મિસાઈલ મેન’ના નામે લોકહૈયામાં બીરાજતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામનું સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગમાં નિધન થતાં શોકનું મોજું ફરી વળ્યું છે. ૮૩ વર્ષના કલામ સોમવારે સાંજે આઈઆઈએમ-શિલોંગમાં વ્યાખ્યાન આપવા ગયા હતા. પ્રવચન માટે પોડિયમ પાસે ઉભા હતા ત્યારે પડી ગયા હતા. તેમને તરત સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હૃદયરોગના તીવ્ર હુમલાથી તેમનું નિધન થયાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
‘ભારતરત્ન’થી સન્માનિત ડો. કલામ હંમેશા કહેતા કે તેઓ આજીવન શિક્ષક તરીકે ઓળખાવા માગે છે. અને તેમણે અંતિમ શ્વાસ સુધી આ જ કાર્ય કર્યું. તેમણે આખરી શ્વાસ પણ વિદ્યાર્થીઓ સામે જ લીધા. ડો. કલામે એક રાષ્ટ્રપતિ કે એક વિજ્ઞાની તરીકે ભારતીયોના હૃદયમાં જેટલું સ્થાન મેળવ્યું હતું તેટલું આદર, સન્માન ભારતના કોઇ રાષ્ટ્રપતિ કે વિજ્ઞાનીએ ભાગ્યે જ મેળવ્યા હશે.
મંગળવારે તેમના પાર્થિવ દેહને નવી દિલ્હી લાવીને રાજાજી માર્ગ ખાતે જાહેર દર્શનાર્થે મૂકાયો હતો. જ્યાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય પ્રધાનો સહિતના ટોચના નેતાઓથી માંડીને આમ આદમીએ અશ્રુસભર અંજલિ અર્પી હતી. ગુરુવારે તેમની જન્મભૂમિ તામિલનાડુના રામેશ્વરમમાં તેમના પાર્થિવ દેહને સુપર્દ-એ-ખાક કરાશે. ભારત સરકારે સદગતના માનમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
૧૯૩૧ની ૧૫મી ઓક્ટોબરે તામિલનાડુના રામેશ્વરમમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલા ડો. કલામનું પૂરું નામ અવુલ પકીર જૈનુલબ્દીન અબ્દુલ કલામ હતું. અનેક અડચણો પાર કરીને તેમણે ફિઝિક્સ અને એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ડો. કલામ વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા તે અગાઉ સિવિલયન સ્પેસ પ્રોગ્રામ અને મિલિટરી ડેવલપમેન્ટમાં ભજવેલી સક્રિય ભૂમિકાના કારણે ‘મિસાઈલ મેન’નું બિરુદ મેળવ્યું હતું.
‘અગ્નિ’ અને ‘પૃથ્વી’ મિસાઈલ પ્રોજેક્ટ પાર પાડવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) અને ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઈસરો’)માં વિજ્ઞાની અને સાયન્સ એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કર્યું હતું. ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી સરકાર વેળા રાજસ્થાનના પોખરણમાં કરાયેલા અણુપરીક્ષણોમાં પણ તેમની ચાવીરૂપ ભૂમિકા રહી હતી.
આખરી શબ્દો, આખરી ટ્વીટ
આઈઆઈએમ-શિલોંગમાં ડો. કલામ ‘લિવેબલ પ્લાનેટ અર્થ’ વિષય પર લેક્ચર આપવા ગયા હતા. તેમના અંગત મદદનીશના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે માર્ગ પ્રવાસ દરમિયાન તેઓ કારમાં સૂઇ જતા હોય છે, પરંતુ ગુવાહાટી એરપોર્ટથી શિલોંગ સુધીના અઢી કલાક કાર પ્રવાસમાં સતત વાતો કરતા રહ્યા હતા. તેમણે સાથીદારને એવું પણ પૂછ્યું હતું કે તમને શું લાગે છે... સંસદની કાર્યવાહીમાં જે ગતિરોધ સર્જાયો છે તેનો ઉપાય શું હોય શકે? આમ પૂછીને તેઓ સ્વગત જ બોલ્યા હતા કે ચાલો, આ વાત હું આઇઆઇએમના વિદ્યાર્થીઓને જ પૂછીશ.
શિલોંગ પહોંચ્યા પછી ફ્રેશ થઇને કાર્યક્રમમાં પહોંચ્યા. મંચ પર જઇને બેઠા અને પોતાના સાથીદારને પૂછ્યું, ‘ઓલ ફિટ?’ સાથીએ જવાબ આપ્યો ‘ઓલ ફિટ...’ અને તેઓ પ્રવચન આપવા ઉભા થયા. તેઓ પ્રવચનમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી માંડીને ગ્રાફ, ચાર્ટસ વગેરેનો ભરપૂર ઉપયોગ કરતા હતા. અને ‘ઓલ ફિટ?’ શબ્દો પણ આ જ સંદર્ભમાં હતો. મતલબ કે બધું રેડી છે?
શિલોંગ પહોંચતા પહેલાં તેમણે ટ્વીટ પણ કર્યું હતું કે હું આઈઆઈએમ-શિલોંગ ખાતે 'લિવેબલ પ્લાનેટ અર્થ' પર લેક્ચર આપવા જઉં છું. સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારા કલામનું આ ટ્વીટ અંતિમ સાબિત થયું હતું.
પોખરણ પરીક્ષણમાં મહત્ત્વની ભૂમિકા
રાજસ્થાનની પોખરણ રેન્જમાં ૧૧ અને ૧૩ મે, ૧૯૯૮ના રોજ ભારે પાંચ પરમાણુ પરીક્ષણ કર્યા હતા. ભારતની આ પરમાણુ હરણફાળમાં ‘મિસાઇલ મેન’ની પણ મહત્ત્વની ભૂમિકા હતી. ૧૧મી મેના રોજ ૪૫, ૧૫ અને ૦.૨ કિલોટનના ત્રણ પરીક્ષણ કરાયાં હતાં. ૧૩મી મે, ૧૯૯૮ના રોજ ૦.૫ અને ૦.૩ કીલોટનના વધુ બે વિસ્ફોટ કરાયા હતા. તે સમયે અબ્દુલ કલામ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના વૈજ્ઞાનિક સલાહકાર અને ડીઆરડીઓના પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવી રહ્યાં હતાં. પોખરણ પરીક્ષણમાં કલામ ચીફ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર હતાં. જોકે સાઇટ ટેસ્ટના ડિરેક્ટર કે. સ્થાનમે આક્ષેપ કર્યો હતો કે થર્મોન્યૂક્લિયર બોંબના પરીક્ષણમાં કેટલીક ખામીઓ રહી હતી. જોકે કલામે ભારપૂર્વક આ આક્ષેપ નકારતા કહ્યું હતું કે પરીક્ષણમાં ધાર્યા પરિણામો મેળવવામાં સફળતા મળી છે.
બધો સમય સારો છે
વર્ષ ૨૦૦૨ની ૨૫મી જુલાઈએ યોજાયેલી ડો. કલામની શપથવિધિમાં પહેલી વખત એવું બનેલું કે રાષ્ટ્રપતિ સાથે સેંકડો બાળકો પણ હાજર રહ્યા હોય. નેતાઓ અમુક ચોક્કસ સમયે દિવસે જ શપથ લેવાના આગ્રહી હોય છે, પણ ડો. કલામે ગમે તે સમયે શપથ લેવાની તૈયારી દર્શાવેવી હતી કેમ કે તેમના માટે બધો સમય સારો સમય જ હતો.
સૌથી વધુ હરતા-ફરતા રાષ્ટ્રપતિ
ડો. કલામ સૌથી વધુ પ્રવાસ કરતા રાષ્ટ્રપતિ હતા. તેમણે પાંચ વર્ષમાં ભારતમાં ૧૬૩ અને પરદેશમાં ૭ એમ કુલ ૧૭૦ કરતા વધારે પ્રવાસો કર્યા હતા. મતલબ કે દર બીજા સપ્તાહે તેઓ ક્યાંક ને ક્યાંક પ્રવાસે ઉપડતા હતા. લક્ષદ્વિપને બાદ કરતાં ભારતના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની તેમણે મુલાકાતો લીધેલી. જુલાઈ ૨૦૦૭માં તેઓ લક્ષદ્વિપ જવાના હતા, પરંતુ ભારે વરસાદને કારણે એ પ્રવાસ રદ થયેલો. કોઈ પણ સ્થળે જતાં પહેલાં ત્યાંની પૂરતી જાણકારી મેળવતા અને ખાસ તો ત્યાં શું સમસ્યાઓ છે તેની જાણકારી પોતે જ મેળવી લેતાં. તેના આધારે પોતાનું પ્રવચન તૈયાર કરતા હતા.
મહેમાનોનો ખર્ચ જાતે ભોગવ્યો
વર્ષ ૨૦૦૬માં ડો. કલામના પરિવારજનો રામેશ્વરમથી એક સપ્તાહ માટે રાષ્ટ્રપતિભવનમાં આવ્યા હતા. કુલ બાવન મહેમાનોમાં કલામના ૯૦ વર્ષના મોટા ભાઇ પણ હતા અને દોઢ વર્ષનું એક બાળક પણ હતું. એ બધાની મહેમાનગતિનો ખર્ચ રૂ. ૩.૫૨ લાખ કલામે પોતે ચૂકવેલો. આ માટે સરકારી નાણાં ન વાપરવાની એમની કડક સૂચના હતી. મહેમાનોને સરકારી વાહનો પણ તેમણે વાપરવા દીધા નહોતા. આ જ રીતે રાષ્ટ્રપતિ ભવનમાં પોતે યોજેલી ઈફ્તાર પાર્ટીના ખર્ચ પેટે પણ તેમણે એક લાખ રૂપિયાનો ચેક આપી દીધો હતો.
બાળપણમાં અબ્દુલ કલામ છાપાં વેચતાં
નાનપણમાં તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો. સવારે વહેલા પાંચ વાગ્યે ઊઠીને મદ્રેસામાં જવાનું. ત્યાંથી પાછા આવીને સાયકલ લઈ છાપા નાખવાનું કામ કરે. ફરી ભણવા જાય. બીજા વિશ્વયુદ્ધ વખતની આ વાત છે. સવારમાં છાપા નાંખતી વખતે નાના કલામે પહેલા પાને ફાઈટર પ્લેનનો ફોટો જોયો. ત્યારથી તેમનું સ્વપ્ન ફાઈટર પ્લેન ઊડાડવાનું હતું. વિજ્ઞાની તરીકેના કાર્યકાળમાં તેમણે અનેક મિસાઈલ્સ ઊડાવી, પણ ફાઈટર પ્લેનની સીટ પર બેસવાની તક છેક રાષ્ટ્રપતિ બન્યા પછી મળી. ૨૦૦૬ની ૮મી જૂને તેઓ ભારતીય સેનાના સુપર ફાઈટર સુખોઈમાં ઊડ્યા હતા.
૭૦ વર્ષની વયે સિયાચીન પહોંચ્યા
જગતનું સૌથી ઊંચુ યુદ્ધમેદાન ગણાતા સિયાચીનની મુલાકાત તેમણે ૭૦ વર્ષની મોટી વયે લીધી હતી. સામાન્ય રીતે જ્યાં જવામાં જુવાનિયાઓને પણ તકલીફ થતી હોય છે ત્યાં આ ઉંમરે પહોંચ્યા હતા. તો આઈએએનએસ સિંધુ રક્ષક સબમરીનમાં બેસીને દરિયાના ઊંડાણમાં પણ પહોંચ્યા હતા. નોંધનીય છે કે સબમરીનમાં બેસીને દરિયાના પેટાળમાં જવું હોય તો પણ કેટલીક શારીરિક સજ્જતા હોવી જરૂરી છે.
મારા કારણે તકલીફ ન થવી જોઈએ
ડો. કલામ સમજતા કે તે કોઈ વિસ્તારની મુલાકાતે જાય તો તેમની સુરક્ષા વ્યવસ્થાને કારણે સ્થાનિક લોકોને તકલીફ વેઠવાની થાય છે. આથી તેમની સૂચના હતી કે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ખાસ ધ્યાન રાખવું. ૨૦૦૪ના અંતે સુનામી ત્રાટક્યું ત્યારે બધા વીઆઈપી અસગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ઉપડતા હતા. ડો. કલામે એ વિસ્તારની મુલાકાત લેવાનું ટાળ્યું કારણ કે જો રાષ્ટ્રપતિ તરીકે એ ત્યાં જાય તો બચાવ કાર્યમાં અડચણો ઊભી થાય તેમ હતું.
યુએસ પ્રમુખે પણ ભારતનું માન જાળવવું રહ્યું
ફેબ્રુઆરી ૨૦૦૬માં યુએસ પ્રમુખ જ્યોર્જ બુશ ભારત આવી રહ્યા હતા. દેશમાં તૈયારીઓ સાથે રાષ્ટ્રપતિભવનને સૂચના પણ મળેલી કે તૈયારી કરવા માંડો. કોઈએ પ્રસ્તાવ મૂક્યો કે ભવનમાં કાર્પેટ નવી પાથરી દઈએ. ડો. કલામે એ વખતે કહ્યું કે એવી કોઈ વિશેષ મહેમાનગતિની આવશ્યક્તા નથી. જે જાજમ પર અગાઉના બધા મહેમાનો ચાલ્યો છે એ જ કાર્પેટ પર પ્રેસિડન્ટ બુશ ચાલશે. સામાન્ય રીતે યુએસ પ્રમુખ જ્યાં જાય ત્યાં સુરક્ષા વ્યવસ્થા તેના અધિકારીઓ સંભાળતા હોય છે અને આ માટે તેઓ પહેલેથી જે તે સ્થળનો કબજો લઈ લેતા હોય છે. ડો. કલામે પ્રમુખ બુશની રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત પહેલાં સ્પષ્ટતા કરેલી કે બુશના આગમન પહેલાં કોઈ અમેરિકી સુરક્ષા અધિકારી રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશવો ન જોઈએ. આ સ્થળ પહેલેથી જ સુરક્ષિત છે અને ભારતના અધિકારીઓ સુરક્ષા માટે પૂરતી કાળજી લઈ રહ્યા છે. આથી બુશના આગમન પૂર્વે તેના કોઈ સુરક્ષા અધિકારીઓ રાષ્ટ્રપતિ ભવનની તપાસ કરી શક્યા નહોતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter