નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૨૮ મહાનુભાવોને પદ્મ સન્માનની જાહેરાત કરી હતી. જેમાં ૪ પદ્મ વિભૂષણ, ૧૭ પદ્મ ભૂષણ અને ૧૦૭ પદ્મ શ્રી સન્માનનો સમાવેશ થાય છે. સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ સન્માન જ્યારે ૭ ગુજરાતીને પદ્મ શ્રી સન્માન એનાયત થશે.
ક્રાંતિકારી સંત તરીકે આગવી ઓળખ ધરાવતા ૮૯ વર્ષના સ્વામી સચ્ચિદાનંદજીએ વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. આ ઉપરાંત પદ્મ શ્રી ખિતાબથી સન્માનિત છ મહાનુભાવોમાં સુરતના હીરા ઉદ્યોગના અગ્રણી સવજીભાઇ ધોળકિયા (સામાજિક કાર્ય), ડો. લતા દેસાઈ (મેડિસિન), માલજીભાઈ દેસાઈ (પબ્લિક અફેર્સ), ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ), જયંતકુમાર મગનલાલ વ્યાસ (સાયન્સ અને એન્જિનિયરિંગ), રમિલાબહેન ગામિત (સામાજિક કાર્ય)નો સમાવેશ થાય છે. સંઘ પ્રદેશ દાનહથી પ્રભાબેન શાહ (સામાજિક કાર્ય)ને પણ પદ્મશ્રી એનાયત થશે.
સચ્ચિદાનંદજીના જાણીતા પુસ્તકોમાં ‘મારા અનુભવો’ અને ‘વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો’ એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. તો ‘ભારતીય દર્શનો’, ‘સંસાર રામાયણ’, ‘વેદાન્ત સમીક્ષા’ વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે.


