હિસારઃ હત્યાના બે મામલામાં દોષી જાહેર થયેલાં રામપાલને હિસારની કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. મંગળવારે બપોરે ચુકાદો સંભળાવતા કોર્ટે રામપાલને મરે નહીં ત્યાં સુધી જેલની સજા સંભળાવી છે. રામપાલ પર ૪ મહિલાઓ અને એક બાળકની હત્યાના આરોપમાં દોષી જાહેર થયો હતો. ગત ૧૧ ઓક્ટોબરે તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.
હિસારની એક વિશેષ અદાલતે રામપાલ સહિત કુલ તેના ૨૬ અનુયાયીઓને દોષી જાહેર કર્યા હતા. સજાની જાહેરાતને પગલે જેલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. આજીવન કેદ ઉપરાંત રામપાલને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
રામપાલને શા માટે સજા?
જે મામલાઓમાં રામપાલને દોષી જાહેર કરાયો છે તેમાં પહેલો કેસ મહિલા ભક્તની સંદિગ્ધ મોતનો મામલો છે, જેની લાશ તેના સતલોક આશ્રમમાંથી ૧૮ નવેમ્બર, ૨૦૧૪નાં રોજ મળી આવી હતી. જ્યારે કે બીજો કેસ હિંસા સાથે જોડાયેલો છે જેમાં રામપાલના ભક્તોએ પોલીસની સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન લગભગ ૧૦ દિવસ સુધી હિંસા ચાલી હતી જેમાં ૪ મહિલાઓ અને ૧ બાળકનું મોત નિપજ્યું હતું.