નવી દિલ્હીઃ દિલ્હીમાં સૈન્યના મેજર નિખિલ હાંડાએ અન્ય એક મેજર અમિત દ્વિવેદીની પત્ની શૈલજાની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાંખી હતી. આ મામલે હત્યારા મેજર નિખિલ હાંડાની પોલીસે ધરપકડ કર્યા પછી નિખિલે પોલીસને જણાવ્યું છે કે શૈલજા સાથે તેને પ્રેમસંબંધો હતા. જોકે શૈલજાએ નિખિલને લગ્ન કરવાની ના પાડતાં ગુસ્સે ભરાયેલા નિખિલે શૈલજાનું ગળું કાપીને તેને કાર નીચે કચડીને નાંખી હતી.
આ મામલે વધુ ખુલાસમાં જાણવા મળ્યું છે કે શૈલજાની હત્યા થવાની છે તેની જાણકારી દિલ્હીમાં અન્ય એક મહિલા અને કથિત રીતે નિખિલની ગર્લફ્રેન્ડને અગાઉ જ થઇ ગઇ હતી. નિખિલ હાંડાએ ફોન કરીને તેની આ પ્રેમિકાને શૈલજાની હત્યાની જાણકારી આપી દીધી હતી. જે બાદ શૈલજાની હત્યા કરી નાંખી હતી. હાંડાએ પોલીસને જણાવ્યું કે, શૈલજા તેને ધમકી આપતી હતી કે જો તે તેનો પીછો નહીં છોડે તો તે સેનાના ઓફિસરને મારી ફરિયાદ કરીને મારું કોર્ટ માર્શલ કરાવી દેશે. આમ, મેજરને તેની નોકરી જોખમમાં લાગી હોવાથી તેણે શૈલજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હાંડાએ જણાવ્યું છે કે તેણે પહેલાં ફેસબુક પર શૈલજાને પોતાની ઓળખ બિઝનેસમેન તરીકે આપીને દોસ્તી કર્યા પછી સાચી ઓળખ આપી હતી. એ પછી હાંડાની ટ્રાન્સફર પણ નાગાલેન્ડના દીમાપુરમાં થઈ ગઈ હતી. તે શૈલજાના ઘરની નજીક જ રહેતો હતો.