પંચકુલાઃ ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત ઈન્સાન વિરુદ્ધ પંચકુલા પોલીસે ૩૧મી ઓગસ્ટે લુક આઉટ નોટિસ જારી કરી દીધી છે. પોલીસે મીડિયાને જણાવ્યું છે કે, હનીપ્રીત પર દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે હનીપ્રીત પર એ પણ આરોપ છે કે તે રામ રહીમને કોર્ટમાંથી ભગાડવાના કાવતરામાં સામેલ હતી. હનીપ્રીત પર આરોપ છે કે પંચકુલામાં હિંસાને આગ આપવામાં પણ તે સામેલ હતી. રામ રહીમને જ્યારે ૨૫મી ઓગસ્ટ શુક્રવારે પંચકુલામાં સીબીઆઈની વિશેષ કોર્ટમાં હાજર કરાઈ રહ્યો હતો ત્યારે હનીપ્રીત તેની સાથે હતી. સીબીઆઈ કોર્ટ દ્વારા તેને દોષિત ઠેરવવામાં આવ્યા પછી હરિયાણામાં હિંસા ભડકી અને ૩૪થી વધુ લોકો મોતને ભેટ્યાં હતાં.
હનીપ્રીત પોતાની જાતને પાપાની પરી તરીકે ઓળખાવે છે. સોશિયલ મીડિયા પર તે પોતાની જાતને પાપાની પરી, પરોપકારી, નિર્દેશક, એડિટર અને અભિનેત્રી દર્શાવે છે. ટ્વિટર પર હનીપ્રીતના ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ છે અને ફેસબુક પર પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે.
હનીપ્રીતે રામ રહીમની ફિલ્મોમાં અભિનય આપ્યો છે અને કેટલીક ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. હનીપ્રીતે ‘એમએસજી ૨ - ધ મેસેન્જર’માં અભિનય કર્યો છે અને ત્યારબાદ ‘એમએસજી-ધ વોરિયર લાયન હાર્ટ’માં પણ તેનો સ્પેશ્યલ કેમેયો છે. રામ રહીમના લગ્ન હરજીત કૌર સાથે થયા છે અને બે પુત્રીઓ ચરણપ્રીત, અમનપ્રીત અને એક પુત્ર જસમીત છે. બાબાની બંને પુત્રીઓનાં લગ્ન થઈ ગયા છે.
હનીપ્રીતના પતિએ પત્ની અને રામરહીમના સંબંધો અંગે આક્ષેપો કર્યા હતા
મીડિયામાં એ વાત ખાસ્સી ચગી હતી કે, હનીપ્રીતના લગ્ન રામ રહીમે પોતે કરાવ્યા હતાં, પરંતુ હનીપ્રીતના પતિ વિશ્વાસ ગુપ્તાએ રામરહીમ પર તેની પત્નીને દૂર રાખવાનો આરોપ લગાવ્યો હતો. એટલે સુધી કે તેણે રામ રહીમ અને હનીપ્રીતના સંબંધ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં હતાં. આ ઘટના બાદ હનીપ્રીત સિંહે વિશ્વાસ ગુપ્તા સામે દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો અને પોતે સિરસાના ડેરામાં રહેવા ચાલી ગઈ હતી.