હરિદ્વાર કુંભમાં ૧૮ ઇંચ અને ૧૮ કિલોના નાગા સાધુ બન્યા આકર્ષણનું કેન્દ્ર

Friday 16th April 2021 06:56 EDT
 
 

હરિદ્વાર : ધર્મનગરી હરિદ્વારમાં મહાકુંભ ૨૦૨૧માં નાગા સાધુ-સંતોના અનોખા રૂપની સાથે ધર્મ - સંસ્કૃતિ અને દુનિયા સાથે જોડાયેલા જુદા-જુદા દૃશ્ય પણ જોવા મળી રહ્યા છે. હરિદ્વાર કુંભ મેળામાં આ વખતે નાગા સાધુ-સંત પોતાની વર્ષોની વિભિન્ન તપસ્યા, આરાધના અને પોતાના તેજથી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે, તો અહીં એક એવા સંત પણ છે, જેમના કદ-કાઠી શ્રદ્ધાળુઓમાં ચર્ચાનો વિષય બન્યા છે.
જૂના અખાડાના નાગા સાધુ સ્વામી નારાયણ નંદની ઉંચાઈ માત્ર ૧૮ ઈંચ છે અને તેમનું વજન ોછે ૧૮ કિલો. કહેવાઈ રહ્યું છે કે, નાગા સાધુ સ્વામી નારાયણ નંદ દુનિયાના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા નાગા સન્યાસી પણ છે. હરિદ્વારમાં જે શ્રદ્ધાળુની નજર સ્વામી નારાયણ નંદ પર પડે છે, તે શ્રદ્ધાળુ તેમના તરફ આકર્ષિત થઈ જાય છે અને તેમના આશીર્વાદ મેળવવા પહોંચી જાય છે.
નારાયણ નંદ ૫૫ વર્ષના છે અને તેઓ મધ્ય પ્રદેશના ઝાંસીના રહેવાસી છે. તેઓ કુંભ ૨૦૧૦માં જૂના અખાડામાં સામેલ થયા હતા. પછી તેમણે નાગા સન્યાસીની દીક્ષા પ્રાપ્ત કરી. નાગા સન્યાસી બન્યા પહેલા તેમનું નામ સત્યનારાયણ પાઠક હતું. સન્યાસીની દીક્ષા લીધા પછી તેમનુ નામ નારાયણ નંદ મહારાજ થઈ ગયું અને ત્યારથી તેઓ ભગવાન શિવની ભકિતમાં લીન છે.
હરિદ્વારમાં પહેલી એપ્રિલથી શરૂ થયેલો કુંભ મેળો ૩૦ એપ્રિલ સુધી ચાલશે. હરિદ્વારમાં ૧૨ વર્ષ પછી કુંભ મેળો યોજાયો છે. સામાન્ય રીતે કુંભ મેળો સાડા ત્રણ મહિના ચાલતો હોય છે. વર્ષ ૨૦૧૦માં કુંભ ૧૪ એપ્રિલથી શરૂ થઈ ૨૮ એપ્રિલ સુધી ચાલ્યો હતો. જોકે આ વર્ષે કોરોના સંક્રમણના કારણે સરકારે કુંભનો સમયગાળો ઘટાડીને એક મહિનો કરી નાંખ્યો છે. આ ગાળામાં ૧૨ એપ્રિલ, ૧૪ એપ્રિલ અને ૨૭ એપ્રિલ - કુલ ત્રણ શાહી સ્નાન થશે. આ ઉપરાંત ૨૧ એપ્રિલે રામનવમીનું પર્વ સ્નાન
પણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter