હરિયાણાનો રવિ નાસ્તિક જાહેરઃ નો કાસ્ટ, નો રિલિજિયનનું પ્રમાણપત્ર પ્રાપ્ત

Friday 03rd May 2019 08:04 EDT
 
 

ટોહાનાઃ દેશમાં પહેલી વાર એક અનોખા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે હરિયાણાના ટોહાનાના રહેવાશી રવિ કુમારને નાસ્તિક પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાથી તે હવેથી રવિ નાસ્તિક નામે ઓળખાશે. નાસ્તિક પ્રમાણપત્ર મેળવવા માટે રવિએ ટોહાના તાલુકા કચેરીમાં અરજી કરી હતી. જે પછી રવિને ‘નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ ર્સિટફિકેટ’ પણ આપી દેવામાં આવ્યું છે તેની પર સિરિયલ નંબર પણ નાખી દેવામાં આવ્યો છે.

નાસ્તિક પ્રમાણપત્ર મેળવવા રવિને બે વર્ષ કોર્ટના ધક્કા ખાવા પડયા હતા. રવિએ ૨૦૧૭માં પોતાનું નામ સાચું ઠેરવવા માટે ફતેહાબાદ કોર્ટમાં દીવાની કેસ કર્યો હતો. આ વર્ષના જાન્યુઆરીમાં તેને તેના નામની આગળ નાસ્તિક લખવાની અનુમતિ મળી હતી. હવે તાલુકા અધિકારીએ દ્વારા રવિને નાસ્તિક પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. રવિના વકીલ અમિત કુમાર સૈનીએ જણાવ્યું કે રવિના તમામ દસ્તાવેજોની તપાસ બાદ આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સાથે તેના ગુનાહિત ઈતિહાસની પણ ચકાસણી કરવામાં આવી હતી. તાલુકા અધિકારીને સંતોષ થતા ૨૯ એપ્રિલે તેમને આ પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું. રવિના પિતા ઈન્દ્રલાલ ફર્નિચરનું કામ કરે છે. રવિએ જણાવ્યું કે મારી ઓળખ જાતિ આધારે થાય તેવું હું ઈચ્છતો નથી. તેથી આ પ્રમાણપત્ર બનાવ્યું છે. મેં મારા નામની આગળ નાસ્તિક લખવા માટે અરજી કરી હતી. સેલ્ફ ડિક્લેરેશનને આધારે નાસ્તિક પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

રવિના વકીલ અમિતકુમારે જણાવ્યું કે ‘નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ’ પ્રમાણપત્ર માટે તાલુકા કચેરીએ અસમર્થતા વ્યક્ત કરી હતી જે પછી ડેપ્યુટી કમિશનરની પાસે અરજી કરવામાં આવી હતી. રવિના તમામ પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવી કે તે આ પ્રમાણપત્રનો દુરપયોગ તો નહીં કરેને. તપાસ કરવામાં આવતા રવિની અરજી સાચી ઠરતા આ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલી વાર એક અનોખા પ્રકારનો કિસ્સો બન્યો છે. રવિએ પ્રમાણપત્ર મેળવવા માટે બે વર્ષ સુધી ધક્કા ખાવા પડયાં હતા. રવિએ ૨૦૧૭ માં પોતાનું નામ સાચુ ઠેરવવા માટે ફતેહાબાદ કોર્ટમાં દીવાની કેસ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter