રોહતકઃ નિર્ભયા ગેંગરેપ કેસમાં ચુકાદો આવ્યાના થોડાક દિવસમાં નવમીએ હરિયાણાના રોહતકમાં એક યુવતીનું અપહરણ કરીને તેની પર ગેંગરેપ કરીને તેને મારી નંખાઈ છે. મૃતકનાં ગુપ્તાંગોને ભારે ઈજા થઈ હતી. તેની ઓળખ ન થાય તે માટે તેનું માથું પથ્થરથી અને વાહન નીચે કચડી નંખાયું હતું. ૧૨મીએ યુવતીનું શબ રોહતકના આઇએમટી વિસ્તારનાં એક ખાલી પ્લોટમાંથી મળ્યું હતું. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે, પીડિતા પર ગેંગરેપ પછી ધારદાર હથિયારથી તેનાં ગુપ્તાંગો કાપી નંખાયા હતા. એ પછી તેનું માથું ફાડી નંખાયું હતું.
રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, તેની સાથે ઓછામાં ઓછા સાતે મળીને ગેંગરેપ કર્યા પછી યુવતીને તડપાવીને મારી નંખાઈ હશે. સોનીપતમાં રહેતા દંપતીએ તેમની પુત્રી ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. તેથી આ તેમની પુત્રી હોવાનું બહાર આવ્યું હતું. યુવતીનાં માતા-પિતાએ પોતાના પાડોશી પર જ પુત્રી પર ક્રૂરતા આચરવાનો આરોપ મૂક્યો હતો. પરિવારજનોની આશંકા પછી પાડોશી અને પીડિતાના પૂર્વ પ્રેમી સુમિત તથા તેના મિત્ર વિકાસને કસ્ટડીમાં લેવાયા છે.
સુમિતે કબૂલ્યું છે કે મહિલા સાથે સંબંધ તૂટયા પછી વેરની ભાવનાથી તેણે આ કૃત્ય કર્યું હતું. મહિલાનું સોનીપતથી એક કારમાં અપહરણ કરાયું ને રોહતક લવાઈ હતી. મહિલાનાં અગાઉ છૂટાછેડા થયા હતા.