ICICI અને વીડિયોકોનનું રૂ. ૩૨૫૦ કરોડનું કૌભાંડ? ચંદા કોચર સામે આંગળી ચીંધાઈ

Friday 30th March 2018 05:11 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતમાં ખાનગી બેન્કિંગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી આઈસીઆઈસીઆઈ બેન્ક અને વીડિયોકોન ગ્રૂપને સાંકળતું કથિત બેન્ક લોન કૌભાંડ બહાર આવતાં હલચલ મચી ગઇ છે. આઈસીઆઈસીઆઈ બેન્કે વીડિયોકોન ગ્રૂપને આપેલી રૂ. ૩૨૫૦ કરોડની લોનમાં બેન્કના સીઇઓ ચંદા કોચર સામે સગાંવાદ આચરાયો હોવાના અને હીતોનો ટકરાવ થયાના આક્ષેપે હલચલ મચાવી દીધી છે. વીડિયોકોન ગ્રૂપના વડા વેણુગોપાલ ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર અને તેમના બે સંબંધી સાથે એક કંપની સ્થાપીને આ લોન મેળવી હતી. આ લોન ભરપાઇ ન થતાં એનપીએ જાહેર થઇ છે.

‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકના અહેવાલ પ્રમાણે આ જંગી લોનના બદલામાં ચંદા કોચરના પતિને લાભ કરાવવામાં આવ્યો હતો. જોકે આઈસીઆઈસીઆઈ બેન્કે આ તમામ આરોપ ફગાવી દીધા છે. ગુરુવારે આઈસીઆઈસીઆઈ બેન્કનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સીઈઓ અને એમડી ચંદા કોચરના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ વીડિયોકોન ગ્રૂપને લોન આપવાના મામલે પ્રકાશિત સમાચારોને દુર્ભાવનાપૂર્ણ અને પાયાવિહોણા ગણાવ્યા હતા. શેરબજારોને બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું છે કે બોર્ડે લોનને મંજૂર કરવાની આંતરિક પ્રક્રિયાઓની સમીક્ષા કરી છે અને તે નક્કર જણાઈ છે.

વીડિયોકોન ગ્રૂપે ૮૬ ટકા લોન ચૂકવી નથી

‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વીડિયોકોન ગ્રૂપની પાંચ કંપનીઓને એપ્રિલ ૨૦૧૨માં ૩,૨૫૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. ગ્રૂપે આ લોનમાંથી ૮૬ ટકા રકમ એટલે કે ૨,૮૧૦ કરોડ રૂપિયા પરત ચૂકવ્યા નથી. આ લોનને ૨૦૧૭માં એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ) જાહેર કરવામાં આવી હતી. વીડિયોકોન ગ્રૂપના માલિક વેણુગોપાલ ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર સાથે મળી એક કંપની ન્યૂપાવર (nuPower) રિન્યુએબલ્સ પ્રા. લિ. બનાવી, તેમાં કોચરના પરિવાર અને ધૂતનો હિસ્સો ૫૦-૫૦ ટકા હતો.
દીપક કોચરને આ કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. ધૂતે આ કંપનીનું ડાયરેક્ટરપદ છોડી દીધું. તેમણે અઢી લાખ રૂપિયામાં તેમના હિસ્સાના ૨૪,૯૯૯ શેર ન્યૂપાવરમાં ટ્રાન્સફર કરી દીધા. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૦થી ૨૦૧૨ની વચ્ચે ધૂતની કંપનીએ કોચરની કંપનીને લોન આપી હતી. આખરે ૯૪.૯૯ હોલ્ડિંગવાળા શેર માત્ર ૯ લાખ રૂપિયા જેવી નજીવી કિંમતે ચંદા કોચરના પતિની આગેવાની હેઠળની કંપનીએ આપી દેવાયા હતા.

૨૦ બેન્કો, ૪૦ હજાર કરોડની લોન

૨૦૧૨માં ૨૦ બેન્કો અને નાણાંસંસ્થાઓનાં જૂથે વીડિયોકોન ગ્રૂપને લગભગ ૪૦ હજાર કરોડ રૂપિયાની લોન આપી હતી. જેમાં આઈસીઆઈસીઆઈ બેન્કનો હિસ્સો ૩,૨૫૦ કરોડ રૂપિયા હતો. આ લોન એપ્રિલ ૨૦૧૨માં આપવામાં આવી હતી. વીડિયોકોન ગ્રૂપે ૩,૨૫૦ કરોડ રૂપિયાની આ લોનમાંથી હજી ૨,૮૧૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

ન્યૂપાવરમાં કોનો કેટલો હિસ્સો?

રજિસ્ટ્રાર ઓફ કંપની (આરઓસી)ના રેકોર્ડ અનુસાર ન્યૂપાવરમાં દીપક કોચરનો હિસ્સો ૪૩.૪ ટકા છે, જેમાં સીધો ભાગ ૦.૦૪ ટકા અને સુપ્રીમ એનર્જીનો ભાગ ૧૦.૧૦ ટકા અને પિનેકલ એનર્જીનો ભાગ ૩૩.૧૭ ટકા છે. ૫૪.૯૯ ટકા ભાગ ડીએચ રિન્યુએબલ્સ પાસે છે. માર્ચ ૨૦૧૬ સુધી ન્યૂ પાવરમાં દીપક કોચર, સુપ્રીમ એનર્જી અને પિનેકલનો હિસ્સો ૯૬.૨૩ ટકા હતો.

કોન્સોર્ટિયમના ભાગ તરીકે લોન આપીઃ આઈસીઆઈસીઆઈ

વીડિયોકોન ગ્રૂપના વડા વેણુગોપાલ ધૂતને આપેલી રૂ. ૩,૨૫૦ કરોડની લોનમાં આઈસીઆઈસીઆઈ બેંકે સગાંવાદ આચર્યો હોવાના આરોપ અખબારોમાં ચમક્યા છે ત્યારે આઈસીઆઈસીઆઈ બેંકે આ મુદ્દે ખુલાસો કર્યો છે કે, અમે કોન્સોર્ટિયમ ઓફ લેન્ડર્સના હિસ્સા તરીકે વીડિયોકોનને લોન મંજૂર કરી હતી. બેંકોના આ સમૂહનું નેતૃત્વ અમે નહોતું કર્યું. આ સાથે સાથે બેંકે સીઈઓ-મેનેજિંગ ડિરેક્ટર ચંદા કોચરને ક્લિન ચીટ આપી છે. તેમજ લોકોને અફવાઓ પર ધ્યાન નહીં આપવાની પણ અપીલ કરી છે.

આઈસીઆઈસીઆઈ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વીડિયોકોન ગ્રૂપ કે બીજી કોઇ કંપનીને રૂ. ૩,૨૫૦ કરોડની લોન આપવામાં હિતોનો ટકરાવ, પક્ષપાત કે સગાંવાદ જેવું કશું છે જ નહીં. આ પ્રકારની અફવાઓ કમનસીબ અને નિરાધાર છે.

આઈસીઆઈસીઆઈ બેંકનો દાવો છે કે, અમે આંતરિક સમીક્ષા કરીને જ આ લોન આપી હતી. અમે કંપનીને મજબૂત ગણીને જ લોન આપી હતી. અમને અમારા સીઈઓ ચંદા કોચર પર સંપૂર્ણ વિશ્વાસ છે. આઈસીઆઈસીઆઈ બેંક સામે ૨૦૧૬માં પણ આવી અફવાઓ ઊઠી હતી, જેનો અમે યોગ્ય જવાબ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter