નવી દિલ્હીઃ પરમાણુ ક્ષેત્રની સરકારી કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) હેઠળ શઇ થયેલા ‘ભારત સ્મોલ મોડયુલર રિએક્ટર' (BSMR) પ્રોજેક્ટમાં ખાનગી ઉદ્યોગ સમૂહોએ રસ દાખવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પાવર, જિંદલ સ્ટીલ એન્ડ પાવર, ટાટા પાવર, હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને જેએસડબ્લ્યુ એનર્જી જેવી મોટી કંપનીઓએ આ પ્રોજેક્ટ માટે ન્યુક્લિયર પાવર કોર્પોરેશનમાં પ્રપોઝલ રજૂ કરી છે.
આ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ સહિત છ રાજ્યોમાં 16 સંભવિત સ્થળો ઓળખી લેવાયા છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન દ્વારા ઉદ્યોગોને પોતાના ઉપયોગ માટે વીજળી ઉત્પન્ન કરવા બે 220 મેગાવોટના પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર સ્થાપવા માટે પ્રપોઝલ મગાવાયા હતા. તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, પરંતુ ઈન્ડસ્ટ્રીઝની માગ પર આ તારીખ 31 માર્ચ 2026 સુધી લંબાવાઇ છે.