હવે આઇડીબીઆઈ બેન્કનું રૂ. ૭૭૩ કરોડનું કૌભાંડ બહાર આવ્યું

Thursday 29th March 2018 05:37 EDT
 
 

મુંબઈઃ ભારત સરકાર હસ્તકની પંજાબ નેશનલ બેન્કનું મહાકૌભાંડ બહાર આવ્યાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં હવે આઇડીબીઆઇ બેન્કનું કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર આંધ્ર પ્રદેશમાં આઇડીબીઆઇ બેંકની પાંચ શાખાઓમાંથી ૭૭૩ કરોડ રૂપિયાની લોન લઇને છેતરપિંડી આચરવામાં આવી છે. આ લોન ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન મત્સ્યઉદ્યોગ માટે આપવામાં આવી હતી, અને આ માટે માછલીઓના તળાવ જ ન હોવા છતાં નકલી લીઝ દસ્તાવેજો રજૂ કરીને લોન લેવામાં આવી હતી. આ કૌભાંડમાં બેંકના બે અધિકારીઓની સંડોવણી બહાર આવી છે. જેમાંથી એક અધિકારી નિવૃત્ત થઇ ગયા છે જ્યારે બીજાને સસ્પેન્ડ કરાયા છે.

આઇડીબીઆઇની હૈદરાબાદ સ્થિત બશીરબાગ, ગંતુર, રાજાહમુન્દ્રી, ભીમાવરમ અને પલાંગી એમ પાંચ બ્રાન્ચમાં આચરાયેલા આ કૌભાંડ અંગે પાંચ ફરિયાદ કરાઇ છે. જેના આધારે સીબીઆઇએ બે એફઆઇઆર દાખલ કરી છે. ૨૮ ફેબ્રુઆરીએ આ કૌભાંડ સપાટી પર આવતાં જ આઇડીબીઆઇ બેંકના શેરનો ભાવ ૩.૫ ટકા ઘટીને ૭૩.૬ રૂપિયા થઇ ગયો હતો. ૭૭૩ કરોડ રૂપિયાની લોન આંધ્ર પ્રદેશમાં આવેલી આઇડીબીઆઇની પાંચ શાખાઓ દ્વારા આપવામાં આવી હતી. આ લોન પૈકી મોટા ભાગની લોન નાણાંકીય વર્ષ ૨૦૧૪માં એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ) બની ગઇ હતી.
આ સંદર્ભમાં આઇડીબીઆઇ બેંકે પાંચ અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે. ચાલુ વર્ષમાં સરકારી બેંકમાંથી લોન લઇને છેતરપિંડી કરવાનો આ પાંચમો કેસ સપાટી પર આવ્યો છે. આ અગાઉ પંજાબ નેશનલ બેંકનું ૧૩,૬૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ, આંધ્ર બેંકનું ૫૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ૮૨૪ કરોડ રૂપિયાનું કૌભાંડ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું ૧૩૯૪ કરોડ રૂપિયાનું કૌભાંડ સપાટી પર આવ્યા છે.

અધિકારી, એજન્ટ, વેલ્યુઅર અને ખાતેદારની સાંઠગાંઠ

આઇડીબીઆઇ બેન્ક દ્વારા વર્ષ ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન આંધ્ર પ્રદેશ અને તેલંગણના વિવિધ શહેરોમાં કિશાન ક્રેડીટ કાર્ડ અને મત્સ્ય ઉદ્યોગ માટે સરકારની વિવિધ યોજના હેઠળ લોન આપવા માટે એજન્સીઓની નિમણુંક કરી હતી.
આ એજન્સીઓ દ્વારા નિમવામાં આવેલા એજન્ટો, અને આઇડીબીઆઇ બેન્કના અધિકારીઓ અને બેન્કના વેલ્યુઅરે સાંઠગાંઠ રચીને કિસાનોના મત્સ્ય ઉદ્યોગના બહાને આઇડીબીઆઇ બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા. આ માટે તેમને કિસાન ક્રેડીટ કાર્ડ અને મત્સ્ય ઉદ્યોગ માટે લોન અપાવવાનું પ્રલોભન આપ્યુ હતું. સાથોસાથ સબસીડી સહિતની સરકારની વિવિધ યોજનાનો લાભ મળશે તેમ જણાવાયું હતું. આમ તેમણે ખેડૂત ન હોય કે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ન હોય તેવા વ્યક્તિઓના બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા.
આંધ્ર પ્રદેશના ગોદાવરી જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના નગરો અને ગામો ઉપરાંત ક્રિષ્ના જિલ્લો, તેલંગણાના આદીલાબાદ જિલ્લાઓમાંથી ખાતા ખોલવવામાં આવ્યા અને તેઓને કિસાન ક્રેડીટ કાર્ડની અને મત્સ્ય ઉદ્યોગ માટે લોનની સવલત આપી હતી.
વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૩ દરમિયાન લોન આપ્યા બાદ તે નાણાં નિયત સમયમાં ભરપાઇ થયા નહીં. એટલું જ નહીં, કેટલાક ખાતા બોગસ જણાઇ આવ્યા હતા. આ અંગે આઇડીબીઆઇ બેન્કના જનરલ મેનેજર મંજુનાથ પાઇએ સીબીઆઇને ૧૪ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ સમગ્ર કૌભાંડ અંગે અરજી આપી હતી. જે આધારે સીબીઆઇએ ૨૩ માર્ચના રોજ આઇડીબીઆઇ બેન્કના બે ઉચ્ચ અધિકારી, ૨૨ એજન્ટ અને સાત વેલ્યુઅર મળી કુલ ૩૧ વ્યક્તિઓ અને ૨૨૦ ખાતેદાર સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
આરોપીઓએ જે જિલ્લામાં દરિયાઇ વિસ્તાર નથી ત્યાં મત્સ્ય ઉદ્યોગની લોન આપી છે. આંધ્ર પ્રદેશ, તેલંગણ રાજ્યના ગોદાવરી, ક્રિષ્ના, આદીલાબાદ જિલ્લામાં કોઇ સ્થળે દરિયાઇ વિસ્તાર નથી તેમ છતાં મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના નામે લોન આપીને સબસીડી ગુપચાવી જવા માટે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter