હવે કહો સૌથી મોટી પનોતી કોણ?: ભાજપ નેતાનો રાહુલને સવાલ

Friday 08th December 2023 05:21 EST
 
 

નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ચાર રાજ્યો પૈકી 3 રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની કરારી હાર થયા પછી હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરા પર માછલાં ધોવાનું શરૂ થઈ ગયું છે.
ભાજપનાં નેતા સી. ટી. રવિએ સીધું રાહુલ ગાંધી પર નિશાન તાકીને પ્લેટફોર્મ X પર સીધો તેમને જ સણસણતો સવાલ કર્યો છે કે સૌથી મોટી પનોતી કોણ? આમ ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને કોંગ્રેસ માટે પનોતી ગણાવ્યા છે. X પર પોસ્ટ કરીને તેમણે પૂછ્યું છે કે ‘સૌથી મોટી પનોતી કોણ? છે કોઈ આઈડિયા?’ તેમની આ પોસ્ટમાં તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસને ટેગ પણ કર્યું છે. બીજી એક પોસ્ટમાં X પર તેમણે લખ્યું છે કે ‘કોંગ્રેસની કારમી હાર પછી પનોતી રજાઓ માણવા ક્યાં જશે?’
પ્રિયાંક ખડગેના વાર પર પલટવાર
પરિણામો જાહેર થવાના એક દિવસ પહેલા પ્રિયાંક ખડગેએ સોશિયલ મીડિયા પર પીએમ મોદીને ઘેરવાની કોશિશ કરી હતી. તેમણે X પર લખ્યું હતું કે, ‘દરેક સ્થળે પીએમ મોદીની જગ્યાએ ભાજપપ્રમુખ જે. પી. નડ્ડાની તસવીરો જોવા મળી રહી છે. એવું લાગે છે કે ભાજપ ચૂંટણીમાં હારી જવાનું છે.’ ખડગેના આ વાર સામે સી. ટી. રવિએ પલટવાર કર્યો હતો અને X પર લખ્યું હતું કે ‘હવે આપ આ મુદ્દે શું કહેશો?’
રાહુલે મોદીને પનોતી ગણાવ્યા હતા
થોડા દિવસ પહેલાં અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા સામે હાર થઈ તે પછી રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પનોતી ગણાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે આપણા છોકરાઓ ત્યાં મેચ જીતી ગયા હોત પણ પનોતીએ હરાવ્યા. જો કે તેમનાં આવા નિવેદન પછી ચૂંટણી પંચે કોંગ્રેસ પાસે ખુલાસો માંગ્યો હતો. સી. ટી. રવિએ હવે રાહુલની આ ટિપ્પણી તેમને પાછી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter