હવે કાશ્મીરથી કન્યાકુમારીઃ એક રાષ્ટ્ર, એક બંધારણ, એક રાષ્ટ્રધ્વજ

Wednesday 07th August 2019 05:51 EDT
 
એક રાષ્ટ્રના ઘડવૈયા ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી
 

નવી દિલ્હીઃ હવે દરેક ભારતીય ગર્વભેર કહી શકશે કે કાશ્મીરથી કન્યાકુમારી ભારત એક છે. એક દેશ, એક બંધારણ, એક ધ્વજ. આઝાદીના સાત દસકા બાદ સોમવારે જમ્મુ-કાશ્મીરને પણ આખરે બેવડા બંધારણ અને કાયદાથી મુક્તિ મળી ગઇ. બે ગુજરાતી - વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના હિંમતભર્યા નિર્ણયે આ શક્ય બનાવ્યું છે. 

રાજ્યમાં ચાવીરૂપ સ્થાન ધરાવતા નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કલમ ૩૭૦ રદ થઇ તેના ૨૪ કલાક પૂર્વે કહ્યું હતુંઃ મેં ઘણા અધિકારી સાથે વાત કરી. બધા કહે છે કે કંઈક મોટું થશે પણ શું થશે એ કોઈને ખબર નથી... અને ખરેખર એવું જ થયું. કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ રદ કરતો પ્રસ્તાવ સંસદના બન્ને ગૃહોમાં બહુમતી સાથે પસાર થઇ ગયો.

સોમવારે રાજ્યસભામાં અને મંગળવારે લોકસભામાં પસાર થતાં જ રાજ્યમાં ભારતીય બંધારણ અમલી બન્યું છે અને તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકવા લાગ્યો છે. હવે કાશ્મીરમાં દેશનો કોઈ પણ નાગરિક સંપત્તિ ખરીદી શકશે અને બિઝનેસ કરી શકશે. સૂચિત પ્રસ્તાવ રાજ્યસભામાં ૧૨૫ વિરુદ્ધ ૬૧ મતે જ્યારે લોકસભામાં ૩૬૭ વિરુદ્ધ ૬૭ મતે પસાર થયો છે.
મોદી સરકારે સોમવારે રાષ્ટ્રહિતમાં અત્યંત મહત્ત્વનો નિર્ણય લેતાંની સાથે જ દેશની ભૌગોલિક સ્થિતને બદલીને નવા ઇતિહાસનું સર્જન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જાનો અધિકાર છીનવી લેવાની સાથોસાથ રાજ્યનું વિઘટન કરીને બે નવા કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરી છે. જમ્મુ-કાશ્મીર અને તેમાંથી અલગ કરાયેલા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા છે. આ સાથે જ દેશની ભૌગોલિક સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. દેશનું એક રાજ્ય ઘટી ગયું છે તો બે નવા કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉમેરો થયો છે. આમ દેશમાં હવે કુલ નવ કેન્દ્રશાસિત પ્રદેશ થયા છે.

જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખ અલગ

રવિવારે મધરાતે જમ્મુ-કાશ્મીરના ત્રણેય પૂર્વ મુખ્ય પ્રધાનોને નજરકેદ કરાયા અને રાજ્યમાં ૧૪૪મી કલમ લાગુ કરાઇ તે સાથે જ કલમ ૩૭૦ના ખાત્માનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હતું. સોમવારે સવારે કેબિનેટ મિટિંગ બાદ ગૃહ પ્રધાન અમિત શાહે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમમાં ફેરફારના નિર્ણયની જાણકારી સંસદમાં આપી. તે સાથે જ કલમ ૩૫એ પણ રદ થઇ. શાહે બીજું મહત્ત્વનું બિલ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવા રજૂ કર્યું હતું. જેમાં જમ્મુ-કાશ્મીરને - દિલ્હીની જેમ - વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો છે, જ્યાં ઉપરાજ્યપાલ પ્રશાસનિક વડા હશે. જ્યારે લદ્દાખમાં ઉપરાજ્યપાલ હશે, પરંતુ વિધાનસભા નહીં હોય.

રાજ્યપાલ શાસને રસ્તો સાફ કર્યો

આર્ટીકલ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો અપાયો હતો. સોમવારે રાષ્ટ્રપતિના વટહુકમ સાથે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ થઇ હતી. સોમવારે અમિત શાહે રાષ્ટ્રપતિના વટહુકમની જાહેરાત કરી હતી. આર્ટિકલ ૩૭૦ની પેટા કલમ(૩)માં એ બાબતની સ્પષ્ટતા છે કે, રાષ્ટ્રપતિના આદેશ બાદ કલમ ૩૭૦ રદ થાય છે. તેના માટે સંવિધાન સભા એટલે કે બંધારણ સભા અર્થાત્ વિધાનસભાની ભલામણ હોવી જોઈએ. હાલ જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન હોવાથી તેમની પાસે વિધાનસભા અધિકાર છે. આથી રાજ્યપાલે જ રાષ્ટ્રપતિને રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે અહેવાલ આપવાનો હતો.

પહેલાં સિક્યુરિટી કમિટી, પછી પ્રધાનમંડળ

કાશ્મીરને લઈને દિલ્હીમાં સોમવારે સવારથી જ ગતિવિધિ તેજ હતી. પહેલાં ગૃહ પ્રધાન અમિત શાહે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત યોજી. ત્યાર પછી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત ડોભાલ સાથે વડા પ્રધાન મોદીના નિવાસે પહોંચ્યા. આ મુલાકાત ૨૦ મિનિટ ચાલી. ત્યારપછી કેબિનેટના ચાર ટોચના પ્રધાનોવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ)ની બેઠક થઈ. તેમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સાથે મોદીએ સુરક્ષા અંગે ચર્ચા કરી. આ પછી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક યોજાઇ, જેમાં આ નિર્ણય અંગે જાણકારી અપાઇ હતી.

વર્ષના અંત સુધીમાં ચૂંટણી?

નવી દિલ્હી, તા. ૫ઃ જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ કર્યા બાદ તેના રાજકીય સમીકરણો પણ બદલાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી જાહેર કરાય તેવી શક્યતાઓ છે. મહત્ત્વની વાત એ છે કે, અહીંયા અમલી રાજ્યપાલશાસન ૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પૂરું થાય છે. આ સંજોગોમાં અહીંયા તે પહેલાં જ ચૂંટણી જાહેર કરી દેવાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે ૨૦ જૂનના રોજ અહીંયા વધુ છ મહિના રાજ્યપાલ શાસન લાગુ કરાયું હતું. ૨૧ નવેમ્બર ૨૦૧૮ના રોજ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી હતી.

૧૬ કાશ્મીરીએ ૧ જવાન

સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દે ચર્ચા ચાલતી હતી ત્યારે રાજ્યમાં સેના અને પોલીસના જવાનો સંપૂર્ણ બંદોબસ્ત સાથે સુરક્ષામાં તહેનાત હતા. એક અંદાજ મુજબ રાજ્યમાં ૭.૭૮ લાખ સેના, અર્ધસૈનિક દળ અને રાજ્ય પોલીસના જવાન ફરજ પર છે. રાજ્યની વસતી લગભગ ૧.૨૫ કરોડ છે તે દૃષ્ટિએ દર ૧૬ વ્યક્તિએ એક સેનાનો જવાન તહેનાત છે. સમગ્ર રાજ્યમાં મોબાઇલ અને ઈન્ટરનેટ સેવા બંધ રહી. રાજ્યમાં સ્કૂલો-કોલેજો બંધ છે. પરીક્ષાઓ રદ કરાઇ છે. જમ્મુ ક્ષેત્રમાં સીઆરપીએફની ૪૦ કંપનીઓ મોકલાઈ છે.

રાજ્યોને એડવાઈઝરી

સીસીએસની બેઠક અગાઉ ગૃહ પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ સહિત તમામ ટોચના સુરક્ષા અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યોને એડવાઈઝરી મોકલવાનો નિર્ણય થયો. રાજ્યોને કહેવાયું કે પોલીસ વહીવટી તંત્રી ચોક્કસ રહે અને કોઈ પણ પ્રકારની હિંસા કે તોફાનની પરિસ્થિતિ ઊભી થવા દે નહીં. જ્યારે રાજ્યમાં રવિવારે અડધી રાત્રે કલમ ૧૪૪ લાગુ થઈ. શ્રીનગરમાં મોટા ભાગના સ્થળે સન્નાટો હતો, તો જમ્મુ અને લદ્દાખમાં લોકો ઢોલ-વાજિંત્રો વગાડતાં જશ્ન મનાવતા રહ્યાં.

કલમ ૩૭૦ રદ થતા કાશ્મીરમાં શું બદલાશે?

(અગાઉ)
• જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હતો
• કાશ્મીરીઓને બેવડું નાગરિકત્વ હતું
• જમ્મુ-કાશ્મીર માટે અલાયદો ધ્વજ
• આર્થિક કટોકટી (કલમ ૩૬૦) લાગુ કરી શકાતી નહોતી.
• હિંદુ-શીખ જેવી લઘુમતી અનામતના લાભથી વંચિત
• અન્ય રાજ્યના ભારતીયો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતા નહોતા
• RTIનો કાયદો લાગુ ન હતો
• વિધાનસભાની મુદત છ વર્ષની હતી
• પંચાયતોને કોઈ અધિકાર નહોતા
• કાશ્મીરની મહિલા અન્ય રાજ્યમાં પરણે તો રાજ્યનું નાગરિકત્વ ગુમાવતી
• રાઇટ ટૂ એજ્યુ.ના કાયદાનો અમલ નહીં

(હવે)
• હવે વિશેષ રાજ્યનો દરજ્જો કે વિશેષ સત્તા નહીં
• હવે એક જ નાગરિકત્વ
તિરંગો એકમાત્ર રાષ્ટ્રધ્વજ.
• હવે કલમ ૩૬૦ લાગુ કરી શકાશે
• લઘુમતી સમુદાયને ૧૬ ટકા અનામતનો લાભ
• અન્ય રાજ્યના નાગરિકો જમીન કે અન્ય સંપત્તિ ખરીદી શકશે
• હવે RTI લાગુ પડશે
• જમ્મુ-કાશ્મીર વિધાનસભાની મુદત પાંચ વર્ષની થશે
• પંચાયતોને અન્ય રાજ્યો જેવા તમામ અધિકાર મળશે
• અન્ય રાજ્યની વ્યક્તિને પરણ્યા બાદ કાશ્મીરી મહિલાના હક અકબંધ રહેશે
• રાજ્યના બાળકોને RTEનો લાભ મળશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter