હવે પાંચ બિલિયન ડોલરના ગોદરેજ ગ્રૂપમાં મતભેદો

Friday 28th June 2019 04:28 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના સદીપુરાણા ઉદ્યોગગૃહોમાં ટોચનું સ્થાન ધરાવતા ગોદરેજ જૂથમાં હવે મતભેદો સપાટી પર આવ્યા છે. આશરે પાંચ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતા અને કન્ઝયુમર ગુડ્સથી માંડીને રિયલ એસ્ટેટ સુધીના બિઝનેસમાં અગ્રેસર ૧૨૨ વર્ષ જૂના ગોદરેજ પરિવારમાં બિઝનેસ વ્યૂહરચનાના મુદ્દે મતભેદો સર્જાયા છે. એક તરફ ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિર ગોદરેજ છે તો બીજી તરફ પિતરાઈઓ જમશેદ ગોદરેજ અને સ્મિતા ગોદરેજ છે. ગોદરેજ પરિવારમાં ઉભા થયેલા આ મતભેદોના મૂળમાં મુંબઈની ૧,૦૦૦ એકર જમીનના વિકાસનો મુદ્દો હોવાનું મનાય છે.
ગોદરેજ ગ્રૂપે તો પરિવારમાં મતભેદો સર્જાયાના અહેવાલો નકાર્યા છે, પરંતુ મામલાના જાણકાર લોકો કહે છે કે પરિવારમાં સર્જાયેલા વિખવાદનો ઉકેલ લાવવા માટે ટોચના બેન્કરો અને વકીલોની મધ્યસ્થી તરીકે નિયુક્તિ કરાઈ છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર નિમેશ કંપાણી અને વકીલ ઝિયા મોદી જમશેદ ગોદરેજને સલાહ આપી રહ્યાં છે જ્યારે કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક અને સિરિલ અમરચંદ મંગળદાસના સિરિલ શ્રોફ અદિ ગોદરેજને માર્ગદર્શન આપી રહ્યાં છે.
અહેવાલ અનુસાર, ગોદરેજ પરિવારમાં બિઝનેસ સ્ટ્રેટેજી અંગે વિવાદ સર્જાયો છે. પરિવારના આ વિખવાદને વ્યક્તિતત્ત્વની લડાઈ તરીકે જોવામાં આવી રહ્યો છે. મુખ્યત્વે પરિવારના યુવા સભ્યો વચ્ચે આ સંઘર્ષ ચાલે છે. જોકે ગોદરેજની નજીકના સૂત્રો જણાવે છે કે, મતભેદોની જાહેરમાં કોઈ જાણ થતી નથી. પરિવારના સભ્યો નિયમિત રીતે બોર્ડની મિટિંગોમાં હાજરી આપે છે અને એકબીજા સાથે અત્યંત વિવેકથી વાતચીત કરે છે. એક અન્ય પારિવારિક સૂત્રે જણાવ્યું હતું કે, આ ફક્ત સમયની વાત છે. આજની યુવા પેઢી અલગ અલગ દિશામાં જવા માગે છે. તેઓ ઝડપથી કામ કરવા માગે છે. જો અન્ય સભ્યો તેમની સાથે તાલ મિલાવી શક્તા નથી તો સંઘર્ષ તો થવાનો જ છે.

તાળાંથી માંડીને ચંદ્રયાન સુધીની સફર

ગોદરેજ ગ્રૂપની સ્થાપના અરદેશર ગોદરેજ અને તેમના નાના ભાઇ પિરોજશા ગોદરેજે ૧૮૯૭માં કરી હતી. તાળાં બનાવવાની કંપનીથી શરૂઆત થઇ હતી. તે પછી વિશ્વનો પહેલો વનસ્પતિ તેલયુક્ત સાબુ બનાવ્યો. ૧૯૫૧માં કંપનીને ચૂંટણી માટે ૧૭ લાખ મતપત્રો તૈયાર કરવાનો સરકારી કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ૧૯૫૨માં સ્વતંત્રતા દિવસે સિન્થોલ સાબુ લોન્ચ કર્યો હતો. ૧૯૫૮માં રેફ્રિજરેટર બનાવનારી પહેલી કંપની બની રહી. રિઅલ એસ્ટેટ, કૃષિ વ્યવસાય ઉપરાંત ૨૦૦૮માં કંપનીએ ચંદ્રયાન માટે લોન્ચ વ્હિકલ અને લ્યૂનર ઓર્બિટર પણ તૈયાર કર્યા હતા.

વિવાદના મૂળમાં વિશાળ જમીન?

ગોદરેજ એન્ડ બોએસ પાસે પરિવારની વધારે જમીનો પર કબજો હોવા અને ગ્રૂપની લિસ્ટેડ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા તેનો કોમર્શિયલ ઉપયોગ કરવાના મામલે વિવાદ છે. જમશેદ ગોદરેજ પરિવાર જમીનોના વધુ ડેવલપમેન્ટની તરફેણમાં નથી. જ્યારે અદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિર ગોદરેજ જમીનોનો વિકાસ કરવા માગે છે. ગોદરેજ પ્રોપર્ટીઝ ઇચ્છે છે કે તે મુંબઈના સૌથી મોટા ડેવલપર બને.
મુંબઈના વિક્રોલીમાં ગોદરેજ પરિવારની ૧,૦૦૦ એકર જમીન આવેલી છે જેને ડેવલપ કરી શકાય તેમ છે. આ જમીનની બજાર કિંમત આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા છે. વિક્રોલીમાં ગોદરેજ પરિવારની કુલ ૩,૪૦૦ એકર જમીન છે. આ જમીન પર ડેવલપમેન્ટ માટે જમશેદ ગોદરેજ અને અદિ ગોદરેજ વચ્ચે મતભેદ ચાલી રહ્યાં છે. ગોદરેજ એન્ડ બોએસ કંપની ગોદરેજ ગ્રૂપની હોલ્ડિંગ કંપની છે અને તેના ચેરમેન જમશેદ ગોદરેજ છે. આ કંપની પર ગોદરેજ પરિવારના તમામ સભ્યોનો માલિકી હક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter