હવે બેનામી સંપત્તિ પર તવાઇ આવશે: મોદી

Wednesday 16th November 2016 07:23 EST
 
 

પણજીઃ જાપાનના ત્રણ દિવસના પ્રવાસેથી પરત ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગોવાના પણજી શહેર પહોંચ્યા હતા. બેલગામમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરતાં તેમણે એકદમ ભાવુક થઇ જઇને લોકોને અપીલ કરી હતી કે મેં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ કરીને ભ્રષ્ટાચાર સામે જંગ માંડ્યો છે. આપ સહુ મને આ જંગમાં સહકાર આપો. મને માત્ર ૫૦ દિવસ આપો, હું તમને પરિણામ દેખાડીશ. મારી આ લડાઇમાં આપ સહુનો સાથ સહકાર અનિવાર્ય છે. આપ સહુને ચલણી નોટો બદલવામાં તકલીફ પડી રહી છે તે સમજું છું, પરંતુ દેશહિતમાં આટલું સહન કરી લો. જો તમને ૫૦ દિવસ પછી ભ્રષ્ટાચાર સામેની આજની લડાઇનું પરિણામ ન મળે તો તમે કહેશો તે સજા ભોગવવા હું તૈયાર છું.
આ સંબોધન વેળા લોકોએ વડા પ્રધાન મોદીનું જાહેરમાં ભાગ્યે જ જોવા મળતું સ્વરૂપ નિહાળ્યું હતું. તેમના શબ્દોમાં એકદમ આક્રોશ પણ હતો, અને આંખોમાં આંસુ પણ. તેમના આ સંબોધનને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. પ્રજાએ આ પ્રવચનને લાગણીસભર ગણાવ્યું હતું તો વિરોધ પક્ષે મોદીના આ પ્રવચનને નાટકસમાન ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે મોદી લોકો સમક્ષ લાગણીનો દેખાડો કરી રહ્યા છે. ખરેખર તો તેમણે લોકોને ચલણી નોટો બદલવામાં પડતી તકલીફો નિવારવા પગલાં લેવાની જરૂર છે.
મોદી પીછેહઠના મૂડમાં નથી
જોકે મોદી ભ્રષ્ટાચાર સામેનો જંગ પડતો મૂકવાના મૂડમાં જણાતા નથી. તેમણે ચલણી નોટો રદ કરવાનો નિર્ણય મુલત્વી રાખવાની માગણી મંગળવારે ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણયમાં પીછેહઠને સ્થાન નથી.
‘મારી ચા જેવો કડક નિર્ણય’
મોદીએ પણજી બાદ સોમવારે ઉત્તર પ્રદેશનાં ગાઝીપુરમાં વિધાનસભાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતાં વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મારા નિર્ણય મારી ચા જેવા જ થોડા કડક હોય છે. હું નાનો હતો ત્યારે ગરીબો મને કહેતાં કે ચા જરા કડક બનાવજો. ગરીબને કડક ચા વધુ સારી લાગે છે, પરંતુ અમીરો કડક ચા સામે મોં બગાડે છે. મોદીએ જણાવ્યું હતું કે, હું નહેરૂનાં અધૂરાં કામ પૂરાં કરવાનો પ્રારંભ કરવા અહીં આવ્યો છું.
તેમણે માયાવતી અને કેજરીવાલનો આડકતરો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, કેટલીક પાર્ટીઓ પરેશાન છે, તેમને ચિંતા સતાવી રહી છે કે, હવે નોટોની માળાઓ ક્યાંથી આવશે? ઇમાનદારીનાં નામે દેશની જનતાને ગેરમાર્ગે દોરનારા નેતાઓમાં હિંમત હોય તો જાહેરમાં જણાવે કે કાળા ધન સામે પગલાં લેવાવાં જોઈએ કે નહીં. સ્વ. નહેરૂના પરિવાર પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે, મેં અહીં આવવા માટે જાણી જોઈને આ દિવસ પસંદ કર્યો છે. પંડિતજીનો આત્મા જ્યાં પણ હોય ત્યાં સાંભળે કે તમે ૧૯૬૨માં આ ગરીબોની આશાઓને ફાઇલોમાં દબાવીને ચાલ્યા ગયા હતા, તમે ભલે ચાલ્યા ગયા છો પરંતુ તમારી પાર્ટી અને પરિવાર મને ભાંડે છે, મારા પર ખોટા આરોપ મૂકે છે. તેમ છતાં તમારા જન્મદિવસે હું એ અધૂરું કામ પૂરું કરવાનો પ્રારંભ કરું છું. આ પહેલાં તમને આવી શ્રદ્ધાંજલિ કોઈએ આપી નહીં હોય.
મોદીએ જણાવ્યું હતું કે પાપીઓ કચરાના ઢગલામાં નોટો ફેંકી ભાગી રહ્યા છે. ગંગામાં રૂ. ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો વહાવી રહ્યા છે. અરે પાપીઓ ગંગામાં નોટો વહાવવાથી પાપ ધોવાઈ જવાનાં નથી.
ATM કાર્યરત થતાં બે-ત્રણ સપ્તાહ
જનતાની પરસેવાની કમાણી સુરક્ષિત છે તેવું આશ્વાસન આપતાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે એટીએમ આગામી ૨-૩ સપ્તાહમાં શરૂ થઇ જશે. નાગરિકો રૂ. ૫૦૦, અને ૧૦૦૦ની જૂની નોટો પરત કરવામાં ધીરજ રાખે અને બેન્કોમાં ધસારો ન કરે. શરૂઆતના દિવસોમાં બધા જૂની નોટો જમા કરાવી દે તે જરૂરી નથી. સરકારે તેને ૩૦મી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. આગામી દિવસોમાં તમને નવી નોટો મળતી રહેશે. નાગરિકોને કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી છે તેનો સરકારને ખેદ છે.
મુખ્ય શહેરોમાં આઈટીના દરોડા
ચલણી નોટ રદ થવાની જાહેરાત બાદ મુંબઈ, દિલ્હી અને ચંડીગઢ, ચેન્નઈ, કોઈમ્બતૂર તેમજ દેશનાં વિવિધ શહેરોમાં કાળું નાણું ધરાવનારાઓએ જ્વેલર્સને મોં માગ્યા ભાવ આપી સોનું ખરીદ્યું હતું તો હવાલા ઓપરેટરો દ્વારા ડોલરનો ભાવ ૧૦૦ રૂપિયા સુધી વસૂલ કરાયો હતો. આ માહિતીને પગલે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ૧૨મીએ બપોરથી જ મુંબઈ, દિલ્હી, ચંડીગઢ, ચેન્નઈ અને કોઈમ્બતૂર તેમજ અન્ય શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter