હવે ભારતના આમ નાગરિકને પણ ઇ-પાસપોર્ટ જારી કરાશે

Friday 04th February 2022 04:58 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના બજેટમાં વર્ષ ૨૦૨૨-૨૩થી ભારતીય નાગરિકોને વિદેશ પ્રવાસમાં સુગમતા રહે તે માટે ઇ-પાસપોર્ટની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઇ-પાસપોર્ટમાં ચિપ લગાવેલી રહેશે જેમાં તમામ પ્રકારની માહિતીનો સંગ્રહ કરાશે. આ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇ-પાસપોર્ટમાં વધુ સિક્યુરિટી ફીચર્સ રહેશે અને તેમાં રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન અને બાયોમેટ્રિકનો ઉપયોગ કરાશે. અત્યારે પાસપોર્ટ બુકલેટના સ્વરૂપે અપાય છે. ઇ-પાસપોર્ટ આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે તૈયાર કરાશે.
ઇ-પાસપોર્ટ મળવાથી વિદેશોમાં ઇમિગ્રેશન સરળ બની રહેશે. તે બાયોમેટ્રિક આધારિત હોવાથી વધુ સુરક્ષિત રહેશે. ઇ-પાસપોર્ટમાં ડિજિટલ સિગ્નેચર રહેશે. ભારત સરકાર અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ ઓફિશિયલ અને ડિપ્લોમેટિક ઇ-પાસપોર્ટ જારી કરી ચૂકી છે. હવે દેશમાં પહેલીવાર સામાન્ય નાગરિકોને ઇ-પાસપોર્ટ આપવાનો પ્રારંભ કરાશે. ભારતમાં સૌથી પહેલો ઇ-પાસપોર્ટ વર્ષ ૨૦૦૮માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને જારી કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter