હવે ભારતમાં વિદેશીઓને સરોગસી સુવિધા નહીં, એનઆરઆઇને મળશે

Thursday 20th December 2018 05:00 EST
 
 

નવી દિલ્હીઃ સંસદમાં શાસક-વિપક્ષ વચ્ચે રફાલ જેટના સોદા મુદ્દે ચાલતા હોબાળા વચ્ચે લોકસભામાં સરોગસી રેગ્યુલેશન બિલ ધ્વનિમતથી પસાર થયું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન જે. પી. નડ્ડાના જણાવ્યા પ્રમાણે આ બિલમાં કોમર્શિયલ સરોગેસી રોકવા અને નિઃસંતાન દંપતીઓને સંતાન સુખ અપાવવાની જોગવાઈ છે. આ બિલની જોગવાઇ અનુસાર એનઆરઆઇ દંપતીઓને સરોગેસી સુવિધા મળશે પણ વિદેશી દંપતીઓને નહીં મળે.
બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે સમાજના તમામ વર્ગો અને રાજકીય પક્ષોના અભિપ્રાય છે કે કોમર્શિયલ સરોગસી બંધ થવી જોઈએ. માતાની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. આ ઉપરાંત બિલમાં એ પણ નક્કી કરાયું કે કયા લોકો સરોગસીની સેવા લઈ શકે છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કાકોલી ઘોષ દસ્તેદારે કહ્યું કે આ બિલ મહિલાઓ માટે મહત્ત્વપૂર્ણ છે પણ તેમાં સજાતીય વર્ગનું પણ ધ્યાન રાખવું જોઈએ.

સરકારે આ બિલની જરૂરત જણાવી...

સરકારે કહ્યું હતું કે ભારત વિદેશી લોકો માટે સરોગસી હબ તરીકે ઉભરી રહ્યું છે. તેનાથી સરોગેટ માતાઓના શોષણ, સરોગસીથી જન્મેલાં બાળકોને નિઃસહાય છોડવાના મામલા સામે આવ્યા છે. જોકે સરકારે તેના આંકડા જાહેર કર્યા નહોતા. સરકારે કહ્યું હતું કે કાયદા પંચે કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.

સભ્યોએ બિલની ખામીઓ ગણાવી...

બીજુ જનતા દળ (બીજેડી)ના સાંસદ ભર્તૃહરિ મહતાબે કહ્યું કે બિલમાં ઇનફર્ટિલિટિનો અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે સિંગલ પેરન્ટને બિલના દાયરામાં સામેલ કરવામાં આવ્યા નથી. સિંગલ પેરન્ટ આ સુવિધાથી કેમ વંચિત રહે. જ્યારે આરએસપીના એન. કે. પ્રેમચંદ્રને કહ્યું કે બિલમાં નજીકના સંબંધીની વ્યાખ્યા અપાઇ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter