હવે યુએસની અગ્રણી ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિક રિલાયન્સ જિયોમાં રૂ. ૬,૫૯૮ કરોડનું રોકાણ કરશે

Friday 22nd May 2020 05:21 EDT
 
 

મુંબઇઃ એક તરફ દેશમાં લોકડાઉન આગળ ધપી રહ્યું છે ત્યારે બીજી તરફ રિલાયન્સ જિયોને સતત જંગી વિદેશી મૂડીરોકાણ આવી રહ્યું છે. મુકેશ અંબાણીએ આ લોકડાઉનમાં કંપનીમાં રોકાણ કરવા માટે વિશ્વભરના રોકાણકારોને આકર્ષ્યા છે. આમાં ઉમેરો થયો છે જનરલ એટલાન્ટિકનો. અમેરિકન પ્રાઈવેટ ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિકે રવિવારે જાહેર કર્યું હતું કે તે રિલાયન્સ જિયોમાં ૬૫૯૮ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીમાં છેલ્લા ચાર અઠવાડિયામાં આ ચોથું જંગી રોકાણ હશે.

રૂ. ૪.૯૧ લાખ કરોડની ઇક્વિટી વેલ્યૂ

અમેરિકાની જનરલ એટલાન્ટિકે જિયોની ઇક્વિટી વેલ્યુ રૂ. ૪.૯૧ લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ. ૫.૧૬ લાખ કરોડ લગાવી છે. મૂડીરોકાણ બાદ રિલાયન્સ જિયો કંપનીમાં તેનો હિસ્સો ૧.૩૪ ટકા રહેશે. આ રોકાણ થકી મુકેશ અંબાણી છેલ્લા એક મહિનામાં કુલ ૬૭ હજાર ૧૯૪ કરોડ રૂપિયાનું રોકાણ વધારશે.

ફેસબુક ૪૩,૫૭૪ કરોડ રૂપિયા

આ પહેલા ૨૨મી એપ્રિલે જિયો પ્લેટફોર્મે ફેસબુક સાથે ૪૩,૫૭૪ કરોડ રૂપિયાની ડિલ કરી હતી. જે પછી જિયો પ્લેટફોર્મની ૯.૯ ટકા હિસ્સો ફેસબુક પાસે ચાલ્યો ગયો. ફેસબુક જિયો પ્લેટફોર્મ્સનું સૌથી મોટો શેરહોલ્ડર છે.

સિલ્વર લેકનું રૂ. ૫૬૫૬ કરોડનું રોકાણ

ફેસબુક પછી અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેક (જિયો પ્લેટફોર્મ અને સિલ્વર લેક) વચ્ચે ડીલ થઈ છે. આ સોદાની કિંમત ૫૬૫૬ કરોડ રૂપિયા છે. સિલ્વર લેક ટેકનોલોજીમાં રોકાણ કરવામાં વૈશ્વિક અગ્રણી છે. તેની પાસે લગભગ ૪૩ અબજ ડોલરની સંપત્તિ છે અને તેમાં વિશ્વભરના ૧૦૦ જેટલા રોકાણ અને ઓપરેટિંગ પ્રોફેશનલ્સની ટીમ છે.

એક નજર કંપની પર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ભારતની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર કંપની છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં તેનું કુલ ટર્નઓવર ૬,૫૯,૨૦૫ (૮૭.૧ અબજ ડોલર) રહ્યું હતું. કેશ પ્રોફિટ ૭૧,૪૪૬ કરોડ (૯.૪ અબજ ડોલર) અને નેટ પ્રોફિટ ૩૯,૮૮૦ કરોડ (૫.૩ અબજ ડોલર) રહ્યું હતું. ‘ફોર્ચ્યૂન ગ્લોબલ ૫૦૦’ લિસ્ટમાં આ કંપની રેવન્યૂ અને પ્રોફિટના આધારે ૧૦૬મા ક્રમે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter