નવી દિલ્હીઃ ભારત સરકારે એક માર્ગદર્શિકા જારી કરીને સરકારી કાર્યક્રમો તેમજ સ્કૂલોમાં રાષ્ટ્રીયગીત ‘વંદે માતરમ્’ની તમામ છ કડીઓનું ગાન ફરજિયાત કર્યું છે. અત્યાર સુધી ‘વંદે માતરમ્’ની ફક્ત પહેલી બે કડીઓ જ વગાડાતી હતી જ્યારે મા દુર્ગાના સંદર્ભો ધરાવતી બાકીની કડીઓને બાકાત રાખવામાં આવતી હતી.
ગૃહ મંત્રાલયના આદેશમાં જારી નવા નિયમોમાં જણાવાયું છે કે સ્કૂલોમાં તેમજ સરકારી કાર્યક્રમો અને સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત પહેલાં રાષ્ટ્રીય ગીત વગાડવું જોઈએ અને આ દરમિયાન દરેક વ્યક્તિનું ઊભું થવું ફરજિયાત રહેશે.
ગૃહ મંત્રાલયના 28 જાન્યુઆરીના આદેશમાં જણાવાયું છે કે, જો રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ અને રાષ્ટ્રગાન ‘જન-ગણ-મન...’ સાથે ગાવા કે વગાડવામાં આવે તો પહેલાં ‘વંદે માતરમ્’ ગાવામાં આવશે. આ દરમિયાન ગાનારા કે સાંભળનારાએ સાવધાન મુદ્રામાં ઊભા રહેવું પડશે. આ આદેશ મુજબ તમામ શાળાઓમાં દિવસની શરૂઆત રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ વગાડ્યા પછી જ થશે. નવા નિયમો અનુસાર રાષ્ટ્રીય ગીતની તમામ 6 પંક્તિ ગવાશે, જેનો કુલ સમયગાળો 3 મિનિટ 10 સેકન્ડ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મૂળ ગીતની પહેલી બે પંક્તિઓ જ ગાવામાં આવતી હતી.
‘વંદે માતરમ્’નું ગાન
ક્યારે ક્યારે અનિવાર્ય?
સરકાર દ્વારા જારી કરાયેલી 10 પેજની નવી ગાઇડલાઇન અનુસાર, પરેડમાં તિરંગો લહેરાવતી વખતે, તિરંગો ફરકાવતી વખતે, કોઇ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના આગમન વખતે, રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગ સંબોધનો પહેલાં અને પછી તેમજ રાજ્યપાલોના આગમન વખતે અને તેમના ભાષણો પહેલાં અને પછી સહિત ઘણા સત્તાવાર કાર્યક્રમોમાં ‘વંદે માતરમ્’નું ગાન અનિવાર્ય રહેશે. પદ્મ પુરસ્કાર સહિતના નાગરિક પુરસ્કાર વિતરણ સમારંભો કે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિવાળા કોઈ પણ કાર્યક્રમોમાં તેમજ સ્કૂલોમાં દિવસનું કામકાજ શરૂ થતાં પહેલાં ‘વંદે માતરમ્’ વગાડવામાં આવશે. અલબત્ત, આદેશમાં એમ પણ કહેવાયું છે કે, કયા-કયા પ્રસંગોએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ગાઈ શકાય છે એની સંપૂર્ણ યાદી આપવી શક્ય નથી. મંત્રીઓ અથવા અન્ય મહત્ત્વપૂર્ણ વ્યક્તિની હાજરીવાળા બિનઔપચારિક કાર્યક્રમોમાં પણ રાષ્ટ્રીય ગીત સામૂહિક રીતે ગાઈ શકાય છે. જોકે રાષ્ટ્રીય ગીતને સંપૂર્ણ સન્માન અને શિષ્ટાચાર સાથે રજૂ કરવું ફરજિયાત છે. સિનેમા હોલમાં પણ રાષ્ટ્રીય ગીત વગાડવું જરૂરી છે. અલબત્ત, સિનેમા હોલમાં તે દરમિયાન ઊભા રહેવું અનિવાર્ય નથી.
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયના
‘વંદે માતરમ્’નો ઇતિહાસ
ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 7 નવેમ્બર 1875એ અક્ષય નવમીના પવિત્ર અવસરે લખ્યું હતું. એ 1882માં પ્રથમ વખત તેમના સામયિક ‘બંગદર્શન’માં તેમની નવલકથા ‘આનંદમઠ’ના ભાગરૂપે છપાયું હતું. 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે મંચ પર ‘વંદે માતરમ્’ ગાયું. આ પહેલો પ્રસંગ હતો, જ્યારે આ ગીત સાર્વજનિકરૂપે રાષ્ટ્રીયસ્તરે ગવાયું. આ ગીતની રજૂઆત સમયે સભામાં હાજર હજારો લોકોની આંખો ભીની થઈ હતી.
‘વંદે માતરમ્’ પર વિવાદ શા માટે?
ગયા વર્ષે કેટલાંક મુસ્લિમ સંગઠનોએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના પઠન પર વિરોધ કર્યો હતો. સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ હેઠળ છ પંક્તિના મૂળ ગીતને બે પંક્તિનું કરી નાંખવાનો આરોપ લગાવ્યો હતો. આ ગીતથી હટાવાયેલા ભાગમાં દુર્ગા સહિત ત્રણ હિન્દુ દેવીનો ઉલ્લેખ છે. આ વિવાદની સામે ભાજપે 1937માં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખાયેલા પત્ર પણ શેર કર્યા હતા, જેમાં તેમણે સંકેત આપ્યો હતો કે ગીતની પૃષ્ઠભૂમિ મુસ્લિમોને અસ્વસ્થ કરી શકે છે. આ મુદ્દે થયેલી ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગીતને પણ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ધ્વજ જેટલો જ દરજ્જો મળવો જોઈએ. ભાજપની આ રજૂઆત સામે કોંગ્રેસે દલીલ કરી હતી કે, પશ્ચિમ બંગાળમાં યોજાનારી આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રગીતને આ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.


