નવી દિલ્હીઃ લોકડાઉન–૬ અને અનલોક-૨ની જાહેરાત પછી મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હવે ‘ગરીબ કલ્યાણ અન્ન યોજના’ દિવાળી અને છઠ્ઠ સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે. આ અંતર્ગત સરકાર ગરીબ પરિવારોનાં દરેક સભ્યને પાંચ કિલો ઘઉં અથવા પાંચ કિલો ચોખા મફત આપશે. આ સિવાય પ્રત્યેક પરિવારને દર મહિને ૧ કિલો ચણા પણ નિઃશુલ્ક અપાશે. મોદીએ તેમના ભાષણમાં ૯ જેટલી મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.
અનલોકમાં સતર્કતાની જરૂરિયાત
મોદીએ કહ્યું કે, વિશ્વ સાથે સરખામણી કરીએ તો ભારતમાં કોરોના મુદ્દે સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે અનલોકમાં બેદરકારી વધી રહી છે. લોકોએ લોકડાઉની જેમ સાવધાની રાખવાની જરૂર છે. જે લોકો નિયમોનું પાલન કરશે નહીં, તેમને ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે.
કન્ટેઈનમેન્ટ ઝોનમાં ખૂબ ધ્યાન રાખો
વડા પ્રધાને કહ્યું કે ભલે આપણે બે ગજ અંતર અને વીસ સેકન્ડે હાથ ધોવાને લઈને સાવધાન થયા છીએ, પરંતુ જ્યારે વધુ સાવધાનીની જરૂર છે ત્યારે બેદરકારી વધવી તે ચિંતાનો વિષય છે. લોકડાઉન દરમિયાન મહદઅંશે ગંભીરતાથી નિયમોનું પાલન કરાયું હતું. હવે સરકારોએ, દેશના નાગરિકોએ ફરીથી એ જ પ્રકારની સાવધાની બતાવવાની જરૂરિયાત છે. કન્ટેઈનમેન્ટ ઝોન પર ખાસ ધ્યાન આપવું પડશે. અહીં દરેક નિયમોનું પાલન કરવું અને કરાવવું પડશે.
કોઈ પણ નિયમોથી ઉપર નહીં
વડા પ્રધાને કહ્યું કે તમે તાજેતરમાં ન્યૂઝ પેપરમાં જોયું હશે કે એક દેશના વડા પ્રધાનને ૧૩ હજારનો દંડ એટલે ફટકારાયો કારણ કે તેઓ માસ્ક પહેર્યા વગર બહાર નીકળ્યા હતા. તેમણે દંડ ભર્યો પણ હતો. ભારતમાં પણ સ્થાનિક પ્રશાસને આવી જ કડકાઈથી કામ કરવું જોઈએ. અહીં ૧૩૦ ભારતીયોની રક્ષા એ એક અભિયાન છે. ગામનો સરપંચ હોય કે દેશના વડાપ્રધાન કોઈ પણ નિયમોથી ઉપર નથી.
જનધન ખાતામાં રૂ. ૩૧ હજાર કરોડ જમા
લોકડાઉનમાં એ જ પ્રયાસ રહ્યો કે એવી સ્થિતિ ન આવે કે ગરીબોના ઘરમાં ચૂલો ન સળગે. દરેકે પ્રયત્ન કર્યો કે આટલા મોટો દેશમાં ગરીબ ભાઈ-બહેન ભૂખ્યા ન ઊંઘે. દેશ હોય કે વ્યક્તિ, સમય અને સંવેદનશીલતાથી નિર્ણય લેવાથી મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ અનેક ગણી વધી જાય છે.
મફત અનાજની યોજના
મોદીની મહત્ત્વપૂર્ણ જાહેરાત એ હતી કે વર્ષાઋતુ દરમિયાન અને પછીથી મુખ્યત્વે કૃષિ ક્ષેત્રમાં જ વધુ કામ હોય છે. બીજા ક્ષેત્રે થોડી સુસ્તી રહે છે. જુલાઈથી ધીરે-ધીરે તહેવારોની શરૂઆત થાય છે. ૫ જુલાઈએ ગરુપૂર્ણિમા છે. શ્રાવણ શરૂ થશે. ૧૫ ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દુર્ગાપૂજા આવશે. તહેવારના સમયે જરૂરિયાત વધે છે અને ખર્ચ પણ વધે છે. તેથી જ ‘ગરીબ કલ્યાણ અન્ન યોજના’ દિવાળી અને છઠ્ઠ સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે.
વન નેશન, વન રેશન કાર્ડની વ્યવસ્થા
વડા પ્રધાને કહ્યું કે, સમગ્ર ભારત માટે અમે સપનું જોયું છે. ઘણા રાજ્યોએ સારું કામ કર્યું છે. બાકી રાજ્યોને પણ અમે આગ્રહ કરી રહ્યાં છે કે કામ આગળ વધારો. એ કામ છે, સમગ્ર દેશ માટે એક રેશન કાર્ડની વ્યવસ્થા કરવી. એટલે કે વન નેશન, વન રેશન કાર્ડ. તેનો સૌથી મોટો લાભ ગરીબોને મળશે જે રોજગાર માટે પોતાનું ગામ છોડીને બીજા કોઈ રાજ્યમાં જાય છે.
ખેડૂતો - ટેક્સપેયરના કારણે દેશ સક્ષમ
આજે ગરીબોને સરકાર ફ્રી રેશન આપે છે તેનો શ્રેય બે વર્ગોને જાય છે. પ્રથમ ખેડૂતો. બીજા આપણા ઈમાનદાર ટેક્સ પેયર્સ. તેમના પરિશ્રમ અને સમર્પણના કારણે દેશ આ મદદ કરી શકે છે. તમે ઈમાનદારીથી ટેક્સ ભર્યો છે એટલા માટે આજે દેશના ગરીબો આટલા મોટા સંકટનો મુકાબલો કરી શકવા સક્ષમ છે. એવું તેમણે કહ્યું હતું.
લોકલ માટે વોકલ
આપણે ગરીબ, પીડિત, શોષિત, વંચિતને સશકત કરવા માટે સતત કામ કરીશું. આપણે તમામ સાવધાની રાખીને ઈકોનોમિક એક્ટિવિટીને વધુ આગળ વધારીશું. આપણે આત્મનિર્ભર ભારત માટે દિવસ-રાત એક કરીશું. આપણે બધા લોકલ માટે વોકલ થઈશું. આ સંકલ્પની સાથે ૧૩૦ કરોડ ભારતીયોએ કામ કરવાનું છે અને આગળ પણ વધવાનું છે.
માસ્ક, ફેસ કવર કરો
વડા પ્રધાને કોરોનાના સંકટ સામે લડતા રહેવાની અપીલ સાથે જણાવ્યું કે, તમને પ્રાર્થના કરું છું, આગ્રહ કરું છું કે સ્વસ્થ રહો. બે ગજના અંતરનું પાલન કરતા રહો. ફેસ કવર, માસ્કનો ઉપયોગ કરો અને કોઈ બેદરકારી પણ ન રાખો.